તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલમપોલ:પેથાપુર પોલીસે 3 બોટલ દારૂ પકડયો તો 1.50 લાખ માગ્યા બાદ 70 હજારમાં સમાધાન કર્યું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરનો ખેપિયો પકડાતા નામ નહીં ખોલવાના રૂપિયા લીધા
  • ભ્રષ્ટ્ર કર્મચારીઓ સામે તપાસ કરશે કે પછી ફીડલુ વાળી દેવામા આવશે તેવી ચર્ચા ઉઠવા પામી

શહેર પાસે આવેલા પેથાપુર પોલીસ મથકના કર્મીઓ દ્વારા 2 દિવસ પહેલા પોતાના વિસ્તારમાંથી દારૂ લઇ જતા એક ખેપિયાને પકડ્યો હતો. જેની પાસેથી 3 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. તે સમયે પોલીસે 1.50 લાખ રૂપિયાની માંગ કરી હતી. બાદમાં મામલાને 70 હજારમાં પુરો કરવામા આવ્યો હતો.

ગાંધીનગર જિલ્લામાં દારૂ જુગારના અડ્ડાઓ ઉપર જિલ્લા પોલીસ વડા પહેલેથી જ કડક છે. એક પણ પોલીસ મથક વિસ્તારમાં આ બદીને ડામવા માટે કડક આદેશ કરાયા છે. તેમ છતાં રૂપિયાના ભૂખ્યા કેટલાક પોલીસ કર્મીઓ જિલ્લા પોલીસ વડાના આદેશને પણ ઘોળીને પી જઇ રહ્યા છે. 2 દિવસ પહેલા પેથાપુર પોલીસ મથકના કર્મચારીઓ મુબારકપુર તરફ પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક બુટલેગરનો ખેપિયો દારૂની બોટલ સાથે પસાર થયો હતો.

ખેપિયાને પોલીસે ઊભો રાખી તેની તપાસ કરતા 3 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જેની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. પરંતુ પોલીસ કર્મચારીઓએ મામલાને અહીંયા જ દફનાવી દેવા માટે રૂપિયા 1.50 લાખની માંગણી કરી હતી. તે ઉપરાંત બુટલેગરનું નામ નહીં ખોલવામા આવે અને તેની સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તેવી બાહેધરી પણ અપાઈ હતી. પરંતુ કિંમત વધારે હોવાના કારણે થોડો સમય બુટલેગર અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ખેંચતાણ ચાલી હતી. અંતે મામલાને 70 હજાર લઇ પુરો કરાયો હતો.

દેશી દારૂના કેસ કરીને કામગીરી બતાવતી પેથાપુર પોલીસનો ચહેરો ખુલ્લો પડી જવા પામ્યો છે. હવે જોવાનુ એ રહે છેકે, જિલ્લા પોલીસ વડાના આદેશને ઘોળીને પી જવામા આવ્યો છે ત્યારે ભ્રષ્ટ્ર કર્મચારીઓ સામે તપાસ કરશે કે પછી ફીડલુ વાળી દેવામા આવશે તેવી ચર્ચા ઉઠવા પામી છે.

ખેપિયો એસપીના નામથી જાણીતા બુટલેગરનો હોવાની ચર્ચા થઈ રહી છે
મુબારકપુર પાસેથી 3 બોટલ સાથે પકડાયેલો ખેપિયો એસપીના નામથી જાણિતા બુટલેગરનો હોવાની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઇ રહી છે. હાલ તો રૂપિયા લઇને નામ દબાવી દેવાયું છે. ત્યારે હવે આ મામલે બુટલેગર સામે ફરિયાદ દાખલ કરવામા આવશે કે કેમ તે પ્રશ્ન જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...