ચિલોડા અને પેથાપુર પોલીસ દ્વારા વધુ 60 ચાઇનીઝ દોરીની ફીરકી પકડવામા આવી હતી અને ચાર લોકો સામે ગુનો નોંધાયો હતો. ગાંધીનગર જિલ્લા પોલીસ ચાઇનીઝ દોરીનુ વેચાણ અટકાવવા દોડા દોડી કરી રહી છે. છતા વેપારીઓ ચોરી છૂપીથી વેચાણ કરી રહ્યા છે. ત્યારે ચિલોડા પોલીસ દ્વારા વિસ્તારમા ચાઇનીઝ દોરીને લઇ ડ્રાઇવ ચલાવાઈ હતી.
જેમા બાતમી મળી હતી કે, ખાંટવાસમા રહેતો મેહુલસિંહ હર્ષદસિંહ પરમાર તેની પાસે ચાઇનીઝ દોરી રાખી વેપાર કરી રહ્યો છે. જેથી પોલીસ તેની પાસે પહોંચતા કંતાનમા સંતાડેલી 14 ફીરકી કિંમત 2800 મળી આવતા ગુનો નોંધવામા આવ્યો હતો. જ્યારે ચિલોડાની જનકપુરી સોસાયટીમા રહેતા નીલ હસમુખભાઇ પટેલ તેના બોરકૂવા ઉપર દોરી સંતાડીને વેપાર કરે છે, તેવી માહિતીને આધારે રેડ કરતા તેની પાસેથી 29 ફીરકી કિંમત 5800 મળી આવતા ગુનો નોંધ્યો હતો.
જ્યારે પેથાપુર પોલીસની ટીમ રાંધેજા ગામમા જઇ રહી હતી, તે દરમિયાન એક પાર્લર પાસે પહોંચતા શંકાસ્પદ લાગતા યુવક હાર્દિકસિંહ અજીતસિંહ વાઘેલા (રહે, માડવી ચકલા)ને પકડ્યો હતો અને તેની પાસે રહેલો થેલો ચેક કરતા તેમાંથી 11 ફીરકી કિંમત 1980 મળી હતી. જ્યારે પેથાપુર ગામના એક પાર્લર પાસેથી યુવક મિહિર ભરતભાઇ ઠાકોર પાસેથી 6 ફીરકી કિંમત 1500 મળી આવી હતી. જેને લઇ પોલીસે બંને યુવકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.