ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર સંદિપ સાગળે દ્વારા મનપાનું વર્ષ 2023-24નું બજેટ ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટિ સમક્ષ રજૂ કર્યું હતું. ત્યારે હવે સ્થાયી સમિતિમાં તેમાં સુધારા-વધારા સાથે મંજૂર કરવામાં આવશે. ગત વર્ષે પ્રથમ વખત નાગરિકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા અને તે સૂચનોનો મહદઅંશે બજેટમાં સમાવેશ કરીને નવો ચીલો શરૂ કરવામાં આવ્યો હતો.
આ વર્ષે પણ જનતા બજેટ માટે સ્થાયી સમિતિના ચેરમેન જશવંત પટેલે નગરજનોને 16 જાન્યુઆરી પહેલાં સૂચનો મોકલવા માટે અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, ‘’ગાંધીનગર શહેરમાં મોટાભાગે પ્રવૃત તથા નિવૃત્ત અધિકારીઓ તેમજ કર્મચારીઓ નિવાસ કરતા હોવાથી તેમના દ્વારા અનુભવોના આધારે કરવામાં આવતા સૂચનોને બજેટમાં સમાવીને સાચા અર્થમાં જનતા બજેટ બનાવી શકાય તે માટે સર્વે નગરજનોને સૂચનો મોકલવા માટે અપીલ કરુ છું.’’
નાગરિકો બજેટ માટે પોતાના સૂચનો આપી શકે તે માટે ડ્રાફ્ટ બજેટ કોર્પોરેશનની વેબસાઇટની https://gandhinagarmunicipal.com/ પર ન્યુઝ સેક્શનમાં અપલોડ કરવામાં આવ્યું છે. જેનો અભ્યાસ કરી બજેટ અંગેના જરૂરી સૂચનો ઇ-મેઇલ, પત્ર કે રૂબર માધ્યમથી મોકલી શકાશે. નગરજનો chairman.gmc.gnr@gmail.com પર પોતાના સૂચનો ઇમેલ કરી શકશે અથવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ઓફિસ ખાતે રૂબરૂ કે પત્ર વ્યવહારના માધ્યમથી પોતાના અમુલ્ય સૂચનો આપી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.