હાલાકી:કોરોના સહાયનાં ફોર્મ લેવા લોકો કલેક્ટર-ડિઝાસ્ટર ઑફિસ પહોંચ્યા

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોર્મ મળવાના મેસેજથી લોકો ગેરમાર્ગે દોરાતાં નોટિસ મૂકવી પડી

ગુજરાતમાં હવે કોરોનાની સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે પરંતુ પહેલી અને બીજી લહેર દરમિયાન કોરોનાથી મૃત્યુ પામનારના પરિવારોની આર્થિક સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. જેને પગલે કેન્દ્ર સરકારે કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારને રૂ. 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. જોકે 15 નવેમ્બરથી સહાય માટે ફોર્મ વિતરિત થવાનાં હોવાની વાતો વહેતી થતાં લોકો ફોર્મ લેવા માટે પહોંચ્યા હતા. સોમવાર આખો દિવસ 50થી વધુ લોકો કલેક્ટર કચેરીએ ફોર્મ લેવા આવ્યા હતા, જ્યાંથી તેઓનો પોસ્ટ ઑફિસ પાસે આવેલી ડિઝાસ્ટર ઑફિસે મોકલાયા હતા.

જ્યાં આવીને લોકોને ખબર પડી હતી કે હજુ સુધી ફોર્મ વિતરણ શરૂ જ નથી થયું. સવારથી જ લોકો આવીને પૂછવા લાગતાં આખરે કચેરીએ નોટિસ બોર્ડ પર ‘હાલ કોઈ પ્રક્રિયા શરૂ નથી’, તેવી સૂચના મૂકવી પડી હતી. દોઢ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી કોરોના મહામારીને પગલે ગુજરાત સહિત દેશભરમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ પહેલા સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામનારનાં બાળકોને મફત શિક્ષણ આપવાની જાહેરાત કરી હતી.

ત્યાર બાદ કેન્દ્ર સરકાર દ્વારા પરિવારને આર્થિક સહાય આપવાની જાહેરાત કરાઈ છે. સરકારી આંકડા અનુસાર ગુજરાતમાં અત્યાર સુધીમાં 10,082 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યાં છે. અનેક લોકો ફોર્મ ભરીને જમા કરાવવા પહોંચ્યા માત્ર ફોર્મ લેવા માટે નહીં પરંતુ અનેક લોકો ફોર્મ ભરીને આપવા માટે પહોંચી ગયા હતા. જેમાં સોશિયલ મીડિયા પર ફરતાં ફોર્મની પ્રિન્ટ કાઢીને આવ્યા હતા.

ખાતરી સમિતિ ફોર્મ અંગે નિર્ણય કરશે સમગ્ર મુદ્દે સરકારે ખાતરી સમિતિની રચના કરી છે. ખાતરી સમિતિ નિર્ણય કરશે કે ક્યારે ફોર્મ સ્વીકારવા અને કયા પુરાવા રજૂ કરવા. જે બાદ જ નિર્ણય લેવાશે. સમગ્ર પ્રક્રિયા અંગે જ ડિઝાસ્ટર કચેરી ખાતે નોટિસ બોર્ડમાં સૂચના મારી દેવાઈ છે.

જિલ્લામાં કોરોનાથી 2000થી વધુ મોત
જિલ્લામાં કોરોનાથી 2000થી વધુ લોકોનાં મોત થયાં છે, જેમાં મોટાભાગનાં ડેથ સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના દર્શાવાયું નથી. જેને પગલે સહાયને લઈને કોરોનાથી મોત થયું છે કે નહીં તેની ચકાસણી કરવા કમિટીની રચના કરી છે. જેમાં અધિક નિવાસી કલેક્ટર, જિલ્લા આરોગ્ય અધિકારી, મેડિકલ કોલેજના તબીબોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...