ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં બેરોકટોક રીતે બેફામ ખનન કોઈ નવી વાત નથી. રેતીના હપ્તા નીચેથી લઈને ઉપર સુધી પહોંચતા હોવાની ફરિયાદો અનેક વખત ઉઠી છે. તંત્રને રેતી ચોરી અંગે રજૂઆતો કરવા છતાં આંખ આડા કાન કરાતા હોવાની વાત પણ નવી નથી. ત્યારે તંત્રમાં રજૂઆત છતાં બેરોક ટોક રીતે ચાલતી રેતી ચોરીથી કંટાળીને તાલુકાના જાખોરા ગામના લોકોએ જનતા રેડ કરવાની ફરજ પડી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર શનિવારે રાત્રે સાડા દશ વાગ્યાના સુમારે જાખારો ગામના લોકોએ ગામમાંથી રેતી ભરેલાં ત્રણ જેટલા ટ્રકનો પીછો કર્યો હતો. જેમાં બે ટ્રક નીકળી ગયા હતાં પરંતુ એક ટ્રક ઝડપાઈ ગયો હતો. ઓવરલોડ રેતી ભરેલાં આ ટ્રકના ડ્રાઈવર પાસે લાયસન્સ કે રોયલ્ટી પાસ કઈ જ ન હતું. જેને પગલે ગ્રામજનોએ તાત્કાલિક આ મુદ્દે ચિલોડા પોલીસને પણ બોલાવી લીધી હતી. જે મુદ્દે ચિલોડા પીઆઈને લેખિત રજૂઆત કરીને પગલાં લેવા માટે માંગ કરાઈ છે.
જાખોરા-રાજપૂર ગ્રામ પંચાયત દ્વારા આ મુદ્દે ભૂસ્તર વિભાગને પણ લેખિત રજૂઆત કરાઈ છે. જેમાં આક્ષેપ કર્યો છે કે,‘ ગામમાં રોજ 100 જેટલા ટ્રક ગેરકાયદેસર રીતે નદી રેતીનું ખનન કરતાં હોય છે. અવાર-નવાર આ અંગે ગ્રામજનો દ્વારા કાર્યવાહીની માંગ કરી પરંતુ કેટલાક મળતીયા અધિકારી અને હપ્તાખોર કર્મીઓના કારણે કામગીરી બેરોકટોક ચા ચાલુ છે. પરિણામે જાખારો ગામના યુવાનો દ્વારા જનતા રેડ કરી ટ્રક રોકેલ છે. આ અંગે ખૂબ જ ગંભીરતાથી કાર્યવાહી કરશો જેથી રેતી ચોરી અટકાવી શકાય.’ તેવી આ ગામના લોકોની લાગણી અને માગણી છે.
રાત્રે રેતી ભરેલાં ટ્રક ચેકપોસ્ટ પરથી કેવી રીતે પસાર થઈ જાય છે?
જાખોરા સહિતના વિસ્તારમાં નદીમાંથી કાયદેસરની રેતી લઈ જતાં વાહનોની તપાસ માટે ધણપ પાસે ચેકપોસ્ટ ઉભી કરાયેલી છે. જ્યાં કાગળ પર તો 24 કલાક કર્મચારીઓ હાજર હોય છે. સાંજે 6 વાગ્યા પછી કાયદેસરનું રેતી ખનન બંધ થઈ જતું હોય છે. બીજી તરફ ગ્રામજનોના આક્ષેપ મુજબ આખી રાત રેતી ભરેલા વાહનોની અવરજવર રહેતી હોય છે. તો શું આ વાહનો ચેકપોસ્ટ પર બેઠેલા કર્મચારીઓને ધ્યાને નહીં આવતા હોય કે પછી આક્ષેપો પ્રમાણે મીલીભગતથી કામ થયું હોય છે તે સવાલ છે. પાટનગર નજીક આવી હાલત હોય તો અન્ય વિસ્તારમાં કેવી હાલત હશે તે સમજી શકાય તેમ છે.
ચેકપોસ્ટ ઉપર પણ કાર્યવાહીમાં ઢીલાશ!
ગ્રામજનોએ ટ્રક પકડીને પોલીસને સાથે રાખીને ગામથી અંદાજે 10 કિલોમીટર દૂર એવી ધણપ ચેકપોસ્ટ પર લઈ ગયા હતા. ત્યાં કોઈ બે લોકો હાજર હતાં તેઓને કાર્યવાહીની સત્તા નહીં હોય કે આદેશ નહીં હોય તે રીતે તેઓ ફોન કરતાં ગાંધીનગરથી કોઈ અધિકારીઓ આવ્યા હતા. તેઓએ પણ અંદાજે બે કલાક જેટલો સમય લગાવીને પછી ટ્રકના વજન માટે તેને વે બ્રીજ પર લઈ ગયા હતા. ટ્રક તંત્રને સોંપ્યા બાદ પણ ગ્રામજનો ત્યાં જ બેસી રહેતાં કામગીરી રહેલી ઢીલ અંગે ગ્રામજનોને પણ આશ્ચર્ય થયું હતું.
અમે દરેક જગ્યાએ ફરિયાદ કરી ચૂક્યા છીએ: સરપંચ
આ અંગે જાખોરા ગામના સરપંચ વિસાભાઈ રબારીને પૂછતાં તેઓેએ કહ્યું હતું કે, ‘ અમે મહિના પહેલાં જ ગામના સત્તા સંભાળી છે, સ્કૂલ તરફથી પણ બેફામ ચાલતા વાહનોની રજૂઆત મળતા અમે મામલતદાર, ટીડીઓ અને ભૂસ્તર વિભાગમાં પણ આ અંગે લેખિત રજૂઆત કરી હતી. આ છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા આખરે ગામના યુવાનોએ જનતા રેડ કરીને ટ્રક પકડીને પોલીસને સોંપવાની ફરજ પડી હતી. ગામમાં આવીને નદીની સ્થિતિ જોશો તો ખરેખર દયા આવે એવી છે.’
ઓવરલોડ ટ્રકો ગામના રસ્તાઓ તોડી નાખે છે: ડેપ્યુટી સરપંચ
જાખોરા ગામના ડેપ્યુટી સરપંચ મેહુલભાઈ પટેલે જણાવ્યું હતું કે,‘ આખો દિવસ રેતી ભરેલાં ઓવરલોડ વાહનો પસાર થતાં ગામના રસ્તા તૂટી જાય છે. જેને પગલે ગ્રામજનોને ભારે હાલાકી પડે છે, ગામની શાળા નાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને પણ આખો દિવસ બેફામ રીતે જતાં ટ્રકોથી અકસ્માતનો ભય રહે છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.