છેલ્લા પાંચ વર્ષમાં આલમપુર હોલસેલ શાકમાર્કેટમાં માસિક યુઝર ચાર્જ રૂપિયા 3000થી વધારીને રૂપિયા 6000 કરી દેવાયો છે. પરંતુ વેપારીઓ, ખેડૂતો તેમજ કર્મચારીઓને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને કેન્ટીન તેમજ ટ્રાફિક સુવિધાઓ ઉભી કરવામાં આવી નથી. જેને પગલે વેપારીઓ અને ખેડૂતોમાં રોષ ઉઠવા પામ્યો છે.
રાજ્ય સરકારના ગત વર્ષ-2015માં શાકભાજી અને ફળફળાદી નિયંત્રીત જણસીના શિડ્યુલમાંથી રદ કરી છે. અને બજાર સમિતિએ પૂરી પાડેલી સવલત માટે યુઝર ચાર્જ લઇ શકશે તેવો આદેશ કર્યો હતો. ગાંધીનગર બજાર સમિતિ દ્વારા આલમપુરમાં ગત વર્ષ-2018માં નવીન હોલસેલ માર્કેટ બનાવવામાં આવ્યું છે. માર્કેટમાં 84 અને 9 દુકાનો ફાળવવામાં આવી છે.
આથી દુકાનોના વેપારીઓ પાસેથી ગત વર્ષ-2018માં 3000 માસિક યુઝર્સ ચાર્જ લેવામાં આવતો હતો. ત્યારબાદ બીજા વર્ષે રૂપિયા 4500, ત્રીજા વર્ષે 4500 અને ગત વર્ષ-2022થી રૂપિયા 6000 યુઝર ચાર્જ સમિતિએ નક્કી કર્યો છે. પરંતુ યુઝર્સ ચાર્જની સામે વેપારીઓ, ખેડુતો તેમજ દુકાનના કર્મચારીઓને ધ્યાનમાં રાખીને કોઇ જ સુવિધા ઉભી કરવામાં આવી નથી.
જેમાં ખેડુતોને જમાવા માટે કેન્ટીનની કોઇ જ સગવડ નથી. શૌચાલયોની નિયમિત સાફ સફાઇ નહી કરવાથી ગંદકી સેન્ટર બની ગયા છે. ખેડુતો, વેપારીઓના વાહનોને પાર્કિંગ કરવા માટે યોગ્ય સુવિધાઓ નથી. જેને પરિણામે ટ્રાફિકજામની સ્થિતિ ઉભી થતી હોવાનું આલમપુરના વેપારીઓએ જણાવ્યું છે. જોકે આલમપુર શાકમાર્કેટમાં ખેડુતોને આરામ માટે હોલ હતો.
પરંતુ તેમાં એસીવાળી ઓફિસ બનાવવામાં આવી છે. આથી વેપારીઓ અને ખેડુતો માટે અસુવિધાઓને લઇને યુઝર્સ ચાર્જનો સુવિધાઓ ઉભી કરવા વાપરવામાં આવે તેવી માંગણી સાથે વેપારીઓએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.