તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલત કફોડી:મગફળીના બિયારણમાં પ્રતિ મણે રૂ. 300ના વધારાથી ખેડૂતો પરેશાન

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે ખેડૂતોમાં મગફળી પ્રત્યે વધુ જોક રહેતા વેપારીઓએ ભાવ વધાર્યો

ગત વર્ષ કરતા ચાલુ વર્ષે મગફળીના બિયારણના ભાવમાં પ્રતિ મણે રૂ. 300નો વધારો થયો છે. આથી કોરોનાની મહામારીમાં ખેડૂતોની હાલત કફોડી બની રહી છે. ગત વર્ષે ખેડૂતોમાં મગફળીના વાવેતરનો જોક વધુ રહેલા તેની અસર બિયારણના ભાવ વધારા ઉપર પડી છે.

ગત વર્ષે ચોમાસું સીઝનમાં જિલ્લાના ખેડૂતોએ રેકોર્ડ બ્રેક 13000 હેક્ટરમાં મગફળીનું વાવેતર કર્યું હતું. આથી ચાલુ વર્ષે પણ મગફળીના વાવેતરમાં પણ વધારો થવાની શક્યતા રહેલી છે. કેમ કે જિલ્લાના અમુક ખેડુતોએ મગફળીનું વાવેતર કરી દીધું છે. જોકે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ મણે રૂ. 300નો વધારો ચુકવવાની ખેડૂતોને ફરજ પડી છે. આથી તેની અસર ચાલુ વર્ષે મગફળીના વાવેતર ઉપર પડવાની શક્યતા રહેલી છે. જોકે મગફળીના બિયારણમાં થયેલા ભાવ વધારાની સામે પોષણક્ષમ ભાવો નહી મળતા હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. ગત વર્ષે મગફળીના પ્રતિ મણ બીયારણનો ભાવ રૂપિયા 2290 હતો. જ્યારે ચાલુ વર્ષે મગફળીના પ્રતિ મણ બિયારણનો ભાવ રૂપિયા 2500થી વધુ રહ્યો હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે.

1 વીઘે 20થી 25 કિલો બિયારણ જોઇએ
છેલ્લા પાંચેક વર્ષથી મગફળીનું વાવેતર કરતા રસિકભાઇ પટેલના જણાવ્યા મુજબ પ્રતિ એક વિઘામાં મગફળીનું બિયારણ 20થી 25 કિલોની જરૂર પડે છે. જો તેમાં ફુગવાળુ બિયારણ આવે તો 25થી 27 કિલો બિયારણની જરૂર પડે છે.

રાસાયણિક ખાતરમાં ભાવ વધારો
મગફળીના બિયારણની સાથે સાથે રાયાસણિક ખાતરના ભાવમાં પણ પ્રતિ થેલીએ રૂપિયા 500નો વધારો થયો છે. ગત વર્ષે ડીએપીની એક થેલીનો ભાવ રૂપિયા 1200નો હતો જે 1700 કરવામાં આવતા ખેડુતોની હાલત કફોડી બની રહી છે.

1 વીઘામાં 40 મણ મગફળી થાય
મગફળીના વાવેતરમાં એક વીઘામાં 35થી 40 મણ મગફળીનું ઉત્પાદન થાય છે. તેમાં જો યોગ્ય રીતે પાણી, ખાતર કે વાતાવરણ અનુકુળ રહે તો જ થાય છે. જો માવઠુ કે વરસાદ ખેંચાય, રોગચાળો આવે તો પ્રતિ મણે મગફળીનું ઉત્પાદન 20થી 25 મણ થાય છે.

ખેડૂતોમાં 20 અને 24 નંબરના બિયારણની માંગ વધારે
મગફળીના બિયારણમાં ખેડુતોમાં 20 અને 24 નંબરના બિયારણની માંગ વધારે રહેતી હોય છે. તેમાં 24 નંબરના બિયારણના વાવેતર વખતે 18થી 12 ઇંચનો ગાળો બે છોડ વચ્ચે રાખવો પડે છે. જ્યારે 20 નંબરના બિયારણના વાવેતરમાં 27 ઇંચનો ગાળો રાખવો પડે છે. આથી આ બિયારણની માંગ ખેડૂતોમાં વધારે હોય છે.

મગફળીના પાકમાં ઘાસ ઉગે નહી તે માટે દવા અસરકાર
મગફળીનું વાવેતર કર્યા બાદ તેના છોડની આસપાસ ઉગી નિકળેલા નકામા ઘાસનું નિંદામણ કરવું જોઇએ. જો નિંદામણ કરવામાં આવે નહી તો તેની અસર મગફળીના ઉત્પાદન ઉપર પડે છે. આથી નકામું ઘાસ ઉગે નહી તે માટે ખેડુતો દ્વારા સફેદ દવાનો છંટકાવ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...