બેઠક:પાટીલે ટીમને કહ્યું, હું હોઉં કે નહીં, 22 જેવી જીત 24માં મળવી જોઇએ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડ્ડાની ટર્મ પૂરી થયા બાદ BJPના નવા રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત થઈ શકે
  • પ્રદેશ કાર્યાલય કમલમ્ પર ભાજપ પ્રમુખે સંગઠનના નેતાઓને શીખ આપી

ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલે સોમવારે પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પોતાની ટીમના સદસ્યોને સંબોધતાં કહ્યું કે, આવતી લોકસભા ચૂંટણી વખતે હું અહીં હોઉં કે ન હોઉં, 2022માં વિધાનસભાની ચૂંટણીમાં જે જીત મળી તેવી જીત 2024ની લોકસભા ચૂંટણીમાં મળવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે આગામી 20 જાન્યુઆરીએ વર્તમાન ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાની ટર્મ પૂરી થવાની હોવાથી તેમના સ્થાને નવા નામની જાહેરાત થાય તે સંભવ છે.પાટીલે વિવિધ પ્રદેશ પદાધિકારીઓ, મોરચા અને સેલના હોદ્દેદારો તથા જિલ્લા અને શહેર સંગઠનના નેતાઓ સાથે બેઠક કરી હતી. તેમણે અહીં કહ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં તૈયાર થયેલો મજબૂત ડેટાબેંક હવે તમારી પાસે છે, તેનો તેમાં ભરપૂર ઉપયોગ કરજો. તમને અભૂતપૂર્વ સફળતા મળશે. આ ડેટાબેંકને આધારે 2024ની લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર ભાજપના ઉમેદવારની લીડ અને કુલ સરેરાશ મતોના વિક્રમો તૂટવા જોઇએ.

કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે
આગામી મહિને ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ફેરફાર થશે તે વખતે કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ બદલાવ આવશે. ગુજરાતમાંથી હાલ મંત્રીમંડળમાં જે ચહેરાં છે તે પૈકી કેટલાંકને પડતાં મૂકીને નવાં ચહેરાં આવી શકે છે. આ ઉપરાંત કેન્દ્રીય સંગઠનમાં ગુજરાતમાંથી ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્થાન મળી શકે છે.

ગુજરાત સંગઠનમાં પણ પરિવર્તન આવશે
જો પાટીલને રાષ્ટ્રીય સ્તરે જવાબદારી મળશે તો ગુજરાત ભાજપના સંગઠનમાં પણ ફેરફારો નિશ્ચિત છે. આ સંજોગોમાં ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે કોઇ નવા ચહેરાંને સ્થાન મળશે.

અન્ય સમાચારો પણ છે...