નવું મંત્રીમંડળ:પાટીદાર મુખ્યમંત્રી બન્યા, લેઉવા પાટીદારોને પણ સમાવાયા, ચૂંટણીમાં વોટની લણણી થશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટીદાર મુખ્યમંત્રી હોવાની માગણી સંતોષાઈ જતા ભાજપ મોટો રાજકીય લાભ ખાટી શકશે

પાટીદાર સમાજમાંથી એક માગ એવી હતી કે ગુજરાતમાં ભાજપ સરકારમાં મુખ્યમંત્રી પાટીદાર હોવો જોઇએ. આ માગ ભાજપના મોવડીમંડળે સાંભળીને પાટીદાર મુખ્યમંત્રી બનાવી આપ્યા છે. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મંત્રીમંડળમાં ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કડવા-લેઉવા પાટીદારોનું સમીકરણ સાચવી લીધું છે. તેથી હવે પાટીદાર સમાજને મોટી કોઇ નારાજગી હોય તેવું બનશે નહીં. આવતી વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર સમાજ આ ફેક્ટરથી આકર્ષાઇને ભાજપને જીતાડી દેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અનેક પાટીદાર સંસ્થાો સાથે જોડાયેલાં છે, તેથી પાટીદાર સમાજની સંસ્થાઓ જ ભાજપને હવે જિતાડવા માટે કામે લાગી જશે. આ સંસ્થાઓને હવે કોઇ ફરિયાદ નથી. વધુમાં આ મંત્રી મંડળમાં બીજા છ પાટીદાર સભ્યો ઉમેરાયાં છે. તેમાંય ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી તથા સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, રાજકોટ, ભાવનગર ઉપરાંત સુરતમાં સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના ધારાસભ્યને મંત્રી બનાવાયા છે. આમ ભૌગોલિક રીતે પણ પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ જાળવી લેવાયું છે.

અલબત્ત આ પૈકીના ઘણાં ચહેરા નવાં છે અને પ્રથમ ચૂંટણી જીતીને જ મંત્રી બની ગયા છે. પાટીદાર આંદોલન વખતે સૌરાષ્ટ્રમાં સૌથી મોટી તકલીફ ભાજપને નડી હતી અને તેથી ઘણી પાટીદાર વર્ચસ્વ ધરાવતી બેઠકો પર ભાજપને નુક્સાન ગયું હતું. આ વખતે આંદોલન નથી, માત્ર પ્રતિનિધિત્વનો પ્રશ્ન હતો, પરંતુ ભાજપે તે સાચવી લીધો છે. માત્ર એક જ મુશ્કેલી આવાં સમયે નડી શકે અને તે છે રૂપાણી સરકારમાંથી પડતાં મુકાયેલાં નીતિન પટેલ, જયેશ રાદડિયા, કૌશિક પટેલ, સૌરભ પટેલ અને કિશોર કાનાણી જેવા પાટીદાર નેતાઓ. આ નેતાઓ જો પક્ષ વિરોધી કામ કરે તો તકલીફ પડી શકે, પરંતુ ભાજપમાં આવું થતું નથી, તેથી સરવાળે આ વ્યૂહ પાટીદારોને રીઝવવા માટે પૂરતો છે.

અન્ય સમાચારો પણ છે...