એસ.ટી ડેપો લૂંટારૃ માટેનું સોફ્ટ ટાર્ગેટ:ગાંધીનગર એસ.ટી ડેપોમાં આવતાં મુસાફરો રામ ભરોસે, આંતરે દિવસે મુસાફરોના 74 હજારના ત્રણ મોબાઈલ લૂંટી ગઠિયા ફરાર

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર એસ.ટી ડેપોમાં ભીડનો લાભ લઈ લૂંટારૃ ટોળકીએ આંતરે દિવસે ત્રણ મુસાફરોને ટાર્ગેટ કરી 74 હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન લૂંટી લઈ રફુચક્કર થઈ ગયાની વધુ ત્રણ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. છેલ્લા ઘણા સમયથી નધણિયાત એસ.ટી ડેપોમાં લૂંટારૃ ટોળકી ઉપરાછાપરી લૂંટના ગુનાને અંજામ આપતા મુસાફરોને રામ ભરોસે રહેવાનો વખત આવ્યો છે.

અનેક મુસાફરો લૂંટારૃ ટોળકીનો ભોગ બન્યા
ગાંધીનગર એસ.ટી ડેપોમાં છેલ્લા ઘણા મહિનાઓથી લૂંટારૃ ટોળકી ભીડનો લાભ ઉઠાવી મોબાઇલ ફોન સહિતનો કિંમતી સામાન લૂંટી રહી છે. અત્યાર સુધીમાં અનેક મુસાફરો લૂંટારૃ ટોળકીનો ભોગ બન્યાની અઢળક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ હોવા છતાં રાઉન્ડ ધ કલોલ પોલીસ બંદોબસ્ત ગોઠવી લૂંટારૃ ટોળકીને ઝડપી પાડવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નહીં હોવાની પણ બુમરાણ ઉઠવા પામી છે.

યુવક વતન પાલનપુર જવા નિકળ્યો હતો
લૂંટારૃ ટોળકી માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયેલા એસ.ટી ડેપોમાં વધુ ત્રણ મુસાફરોનાં મોબાઇલ ફોન ટોળકી સેરવી ગઈ હોવાની ફરિયાદો સેકટર - 7 પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. પાલનપુરથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અર્થે ગાંધીનગરના સેકટર - 3/ડી માં ભાડાના મકાનમાં રહેતો ધીરજ પટેલ ગત તા. 1 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે પોતાના વતન જવા માટે એસ.ટી ડેપો ના પ્લેટ ફોર્મ નંબર - 3 ઉપર ઊભો હતો.

ભીડનો લાભ ઉઠાવી યુવાનનો મોબાઇલ સેરવી લીધો
એ વખતે કૃષ્ણનગર - થરાદની બસ આવતાં ધીરજ તેમાં બેસવા માટે બસમાં ચઢયો હતો. ત્યારે ભીડનો લાભ ઉઠાવી તસ્કર ટોળકીએ ધીરજનાં પેન્ટનાં ખિસ્સામાંથી 42 હજારની કિંમતનો મોબાઇલ ફોન સેરવી લીધો હતો. જેની જાણ થતાં ધીરજે બસમાંથી નીચે ઉતરી આજુબાજુ તપાસ કરી હતી. પરંતુ ફોન ક્યાંય મળી નહીં આવતાં અન્ય બસમાં બેસીને વતન પાલનપુર રવાના થઈ ગયો હતો.

બે સિનિયર સિટીઝનનાં મોબાઇલ ચોરી તસ્કર ટોળકી ફરાર
આ રીતે જ સરગાસણ મુકામે રહેતા 60 વર્ષીય રમેશભાઈ પ્રજાપતિ તેમની દીકરીને ધોળકા જવા માટે એસ.ટી ડેપોએ મૂકવા માટે આવ્યા હતા. ત્યારે પ્લેટ ફોર્મ નંબર - 5 ઉપર અંબાજી - ધોળકાની બસ આવતાં રમેશભાઈ - નિરાલી બસમાં ચઢ્યા હતા. એ વખતે પણ તસ્કરોએ રમેશભાઈનાં ખિસ્સામાંથી 25 હજારની કિંમતનો મોબાઇલ ફોન ચોરી લીધો હતો. જ્યારે સેકટર - 4 ખાતે રહેતા વૃદ્ધ અરવિંદભાઈ પટેલ ગઈકાલે ચાર વાગ્યાના અરસામાં પાલડી જવા માટે એસ.ટી ડેપોથી બસમાં બેઠા હતા. ત્યારે ભીડનો લાભ ઉઠાવી તેમના ખિસ્સામાંથી પણ 7 હજારની કિંમતનો મોબાઇલ તસ્કરોએ ચોરી લીધો હતો. ઉપરોક્ત ત્રણેય બનાવો અંગે સેકટર - 7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...