સંકલ્પ પત્ર:આગામી ચૂંટણીમાં મતદાન કરીશું, તેવા વાલીઓ પાસે સંકલ્પ પત્ર ભરાવાશે

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાના વિદ્યાર્થીઓને સંકલ્પ પત્ર આપીને વાલીઓ પાસેથી સમંતિ લેવાશે

વિધાનસભાની ચુંટણીમાં વધુ મતદાન થાય અને મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે વાલીઓ પાસેથી સંકલ્પ પત્ર ભરાવવામાં આવશે. સંકલ્પ પત્રો દરેક વાલીઓ પાસે વિદ્યાર્થીઓ દ્વારા પહોંચતા કરવામાં આવશે. પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થીઓને સંકલ્પ પત્રો શાળામાંથી આપવાનું આયોજન જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

મતદારોમાં પોતાના મતાધિકારી અંગેની જાગૃત્તિ કેળવવા માટે અનેક જન જાગૃત્તિના કાર્યક્રમો રાજ્યના ચુંટણી પંચ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેમાં ઇ-પ્રતિજ્ઞા પત્ર ભરાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત નાટકના માધ્યમથી ગત ટર્મમાં ઓછા મતદાનવાળા મતદાન મથકોમાં નાટકના માધ્યમથી મતદારોને મતાધિકાર અંગેની જાણકારી આપવામાં આવી રહી છે.

ત્યારે હવે એકપણ પરિવાર અને એકપણ મતદાતા મતદાનથી બાકાત રહે નહી તેવું આયોજન રાજ્ય ચુંટણી પંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વાલીઓ પાસે સંકલ્પ પત્રો ભરાવવામાં આવનાર છે. જોકે વાલીઓ સુધી સંકલ્પ પત્રો પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકના વિદ્યાર્થીઓના માધ્યમથી વાલીઓ સુધી સંકલ્પ પત્રો પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યના ચુંટણી પંચ દ્વારા તૈયાર કરેલા સંકલ્પ પત્રોમાં અમારા કુટુંબના બધાજ મતદારો અવશ્ય નૈતિક અને જાગૃત મતદાન કરીશું. 18 વર્ષથી ઉપરના અમારા પરિચિત દરેક વ્યક્તિને મતદારયાદીમાં નામ નોંધણી તથા નૈતિક અને જાગૃત મતદાન માટે પ્રેરીત કરીશું. મતદાર સેવાઓ માટે ઉપલબ્ધ વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ તથા વેબસાઇટ જેવી ઓનલાઇન સેવાઓની માહિતી મેળવીને તેનો ઉપયોગ કરીશું અને અન્યને ઉપયોગ કરવા પ્રેરીત કરીશું.

દિવ્યાંગ મતદારોના માટે પીડબલ્યુડી મોબાઇલ એપ વિશે તથા તેમને મળતી સુવિધાઓ વિશે માહિતગાર કરીશું. ઇવીએમ અને વીવીપેટ દ્વારા સુરક્ષિત અને સંશયરહિત મતદાન વિષે વધુમાં વધુ લોકોને માહિતી આપીશું. પોતાના લોકતાંત્રિક હકથી કોઇપણ મતદાર વંચિત રહી જાય નહી તે માટે પુરા પ્રયત્નો કરીશું તેવો ઉલ્લેખ સંકલ્પ પત્રમાં કરવામાં આવ્યો છે. ઉપરાંત વોટર હેલ્પલાઇન, વેબસાઇટ, પીડબલ્યુ એપ, 1950 હેલ્પલાઇન, સીવીઆઇજીઆઇએલ એપ સહિતની માહિતી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...