નારાજગી:પંચાયતના આરોગ્યના કર્મીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના આરોગ્ય વિભાગે કર્મચારીઓના પ્રશ્નો નહીં ઉકેલતા નારાજગી

પંચાયતના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ત્રણેક વર્ષથી લડત આપી રહ્યા છે. જે અંતર્ગત ગત તારીખ 27મી, જુલાઇ-2022ના રોજ પંચાયત મંત્રીએ રજુઆત કરી હતી. તેમ છતાં પ્રશ્નોનું નિરાકરણ નહી આવતા આરોગ્ય કર્મચારીઓ તારીખ 8મી, ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામશે. આથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની આરોગ્ય સેવાઓ ઠપ્પ થઇ જશે.

આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, ટી.એચ.એસ., ટી.એચ.વી., સુપરવાઇઝર સહિતના કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલ માટે છેલ્લા ઘણાં સમયથી વિરોધ આંદોલન ચલાવી રહ્યા હતા. પરંતુ નક્કર નિર્ણય લેવામાં નહી આવતા કર્મચારીઓમાં રોષ ઉઠવા પામ્યો હતો. આથી રાજ્યભરની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા 15000થી વધુ કર્મચારીઓ આરોગ્ય સેવાનો બહિષ્કાર કરીને હડતાલમાં જોડાશે. જિલ્લામાં અંદાજે 10000 લોકોને સેવાઓ મળશે નહી. તેમ રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું છે.

આરોગ્ય કર્મચારીઓની માગણીઓ
જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓની માંગણીઓમાં 1900 ગ્રેડ પેને બદલે રૂપિયા 2800નો ગ્રેડ પે આપવો.કોરોનામાં રજાના દિવસે કામ કરેલા 98 દિવસનો રજા પગાર આપવો.હાલમાં આરોગ્ય કર્મચારીઓને આઠ કિ.મી.એ વાહન ભથ્થું આપવામાં આવે છે. તેને બદલે 0 કિ.મી.એ વાહનભથ્થુ આપવાની માંગણી

આટલી સેવાઓ અટકી પડશે
કોરોનાની રસીકરણ તેમજ અન્ય રસીકરણ, મેલેરીયા, ડેન્ગ્યુના રોગચાળા અંતર્ગત પોરા નાશકની કામગીરી, ડોર ટુ ડોર વાહનજન્ય રોગચાળાના દર્દીઓના લોહીના સેમ્પલ લેવાની, સગર્ભા બહેનોને મળતી સેવાઓ, નાના બાળકોને મળતી સેવાઓ, મમતા દિવસની કામગીરી, કોરોનાના કેસની નોંધણી, કોરોનાના હોમ આઇસોલેશન દર્દીઓને દવા આપવાની, એચ1 એન1 કેસની નોંધણી, આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી, રૂટિંગ રસીકરણની કામગીરી સહિતની કામગીરી અટકશે.

અન્ય સમાચારો પણ છે...