અંગ દાન:પાલજના પરિવારે સદ્દગતના કિડની લીવરનું દાન કરીને ત્રણ પરિવારોને નવજીવન બક્ષ્યું

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિક્ષા ચલાવતા યુવકના પરિવારમાં મોભીનું અવસાન થતાં અંગોનું દાન કરવામાં આવ્યું

મરણ બાદ પણ ત્રણ પરિવારને નવી જીંદગી આપવાનું દાનનું કામ પાલજના પરિવારે કર્યું છે. રીક્ષા ચલાવીને પેટીયું રળતા પરિવારના મોભીનું અવસાન થતાં પરિવારના સભ્યોને સમાવતા તેઓએ સદ્દગતના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે કિડની, લીવર અને પેંક્રિયાજનું દાન કરીને ત્રણથી વધુ પરિવારને જીવન આપવાનું સદકાર્ય કર્યું છે.

વર્તમાન ફાસ્ટ જીંદગીને કારણે લોકોની આહાર અને આરામની સિસ્ટમ બદલાઇ રહી છે. જેને પરિણામે અનેક બિમારીના ભોગ બનતા લોકોના શરીરની અંદરના અંગો નુકશાન થતાં ઓપરેશન કરીને દુર કરવામાં આવે છે. ત્યારે આવી વ્યક્તિઓને જો તેવા અંગોનું દાન મળી જાય તો તેમને નવજીવન મળી શકે છે.

જોકે દેશમાં માનવીના મોત બાદ તેના શરીરના અંગોનું દાન કરવાની પ્રથા નહીવત પ્રમાણ છે. જો તેમાં વધારો કરવામાં આવે તો અનેક પરિવારની વ્યક્તિઓને નવ જીવન મળી શકે છે. ત્યારે જિલ્લાના પાલજ ગામના એક પરિવારના મોભીના અવસાન બાદ તેઓના શરીરના અંગોનું દાન કરીને સમાજને નવો ચીલો ચીતર્યો છે.

આ અંગે સમાજસેવક જીજ્ઞેશ મેસરીયાએ જણાવ્યું છે કે પાલજમાં રહેતા રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન કરતા કિશનભાઇ છનાભાઇ વાઘેલા રીક્ષા લઇને જતા હતા. ત્યારે નીલ ગાય આવતા રીક્ષામાંથી તેઓ નીચે પટકાતા માથામાં ઇજા થતા તેઓનું અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આથી સમાજસેવક જીજ્ઞેશભાઇ મેસરીયાએ પરિવારને સમજાવીને સદ્દગત કિશનભાઇના શરીરના ઉપયોગી અંગોનું દાન કરવા સમજાવવામાં આવ્યા હતા. આથી પરિવારના સભ્યોએ સમંતિ આપતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સદ્દગતના શરીરના કિડની, લીવર અને પેક્રિયાજ અંગોનું દાન કરવામાં આવ્યું હતું. સદ્દગત વ્યક્તિના અંગોની દાન મળવાથી ત્રણેક પરિવારને નવ જીવન આપવાનું કામ કર્યું છે. નિ:સ્વાર્થ ભાવે પરિવારના સભ્યોએ દાન માટે મંજુરી આપીને સમાજને નવી દિશા આપીને અંગદાન કરવાનો મોટો સંદેશો સમાજને આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...