તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાંગરના પાકને બચાવવા મથામણ:વરસાદ ખેંચાતાં ડાંગરના ખેડૂતોને બોરકૂવા ઉલેચવાની ફરજ પડી

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
વરસાદ ખેંચાતા ડાંગરનું વાવેતર કરેલા ખેડુતોની હાલત કફોડી બની - Divya Bhaskar
વરસાદ ખેંચાતા ડાંગરનું વાવેતર કરેલા ખેડુતોની હાલત કફોડી બની
  • વરસાદ નહીં આવતાં ડાંગરના પાકને બચાવવા ખેડૂતોની મથામણ, જિલ્લામાં 3232 હેક્ટરમાં વાવેતર કરાયું
  • દહેગામ તાલુકામાંથી 1191 હેક્ટર, કલોલમાં 1279 હેક્ટર અને ગાંધીનગરમાંથી 762 હેક્ટરમાં વાવેતર કરાયું

જિલ્લાના ખેડુતોએ હાલમાં ડાંગરનું 3232 હેક્ટરમાં વાવેતર કરી દીધું છે. પરંતુ વરસાદ ખેંચાતા ડાંગરના પાકને બચાવવા માટે ખેડુતોને બોરકુવા ઉલેચવાની ફરજ પડી છે. ડાંગરનું ધરૂ નિષ્ફળ જાય નહી તે માટે ખેડુતો પાકને બચાવવા મથામણ કરતા નજરે પડી રહ્યા છે.

જૂન માસમાં તાઉતે વાવાઝોડાને પગલે ચાલુ વર્ષે ચોમાસાનું વહેલા આગમનને પગલે જિલ્લાના ખેડુતોએ ચોમાસુ પાકનું વાવેતર કરી દીધું હતું. તેમાં જિલ્લાના ખેડુતોએ ચોમાસુ પાકનું કુલ 58353 હેક્ટરમાં વાવેતર કરી દેવામાં આવ્યું છે. તેમાં જિલ્લાના ચારેય તાલુકામાંથી ડાંગરના પાકનું 3232 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. તેમાં દહેગામ તાલુકામાંથી 1191 હેક્ટર, કલોલમાં 1279 હેક્ટર અને ગાંધીનગરમાંથી 762 હેક્ટરમાં વાવેતર કરાયું છે.

ડાંગરનું વાવેતર કર્યા બાદ વરસાદ ખેેંચાતા ખેડુતોના જીવ તાળવે આવ્યા છે. જ્યારે બીજી તરફ ડાંગરના ધરૂના વાવેતર સુકાઇ જાય નહી તે માટે મોંઘા ભાવનું બોરકુવાનું પાણી લેવાની ફરજ પડી છે. ડાંગરના ખેતરોને બોરકુવાના પાણીથી ભરવા માટે ખેડુતોને પ્રતિ કલાકના રૂપિયા 150નો ભાવ ચુકવવો પડે છે. ઉપરાંત એક વીઘા ખેતરમાં પાણી ભરવા માટે 4થી 5 કલાક જેટલો સમય લાગતો હોવાનું ખેડુત કનુભાઇએ જણાવ્યું છે.

30થી 40 દિવસનું ધરૂ થાય તો રોપણી કરી દેવી પડે
ડાંગરના ધરૂને તૈયાર કર્યા બાદ વધુમાં વધુ 30થી 40 દિવસનું થાય તો તેની ખેતરમાં રોપણી કરી દેવી પડે છે. રોપણી કરવામાં આવે નહી તો તેવું ધરૂ ફેલ જાય છે. ચાલુ વર્ષે વરસાદ લંબાતા જિલ્લાના અનેક ખેડુતોના ધરૂ નિષ્ફળ જવાની શક્યતા રહેલી છે.

ડીઝલના ભાવ વધતા ટ્રેક્ટરનું ભાડું વધ્યું
ડીઝલના પ્રતિ લીટરને ભાવ રૂપિયા 100ની નજીક પહોંચી ગયા છે. આથી ટ્રેક્ટરને ખેતરને ગદડવા માટે ચારેક કલાક ટ્રેક્ટર ચલાવવું પડે છે. તેમાં પ્રતિ કલાકનો ભાવ રૂપિયા 1000 લેખે ખેડુતને રૂપિયા 4000નો ખર્ચ થઇ રહ્યો હોવાનું ખેડુત ગાભુભાઇ પટેલે જણાવ્યું છે.

ડાંગરના ખેતરમાં પાણી ભર્યા પછી ગદડવું પડે
ડાંગરના ખેતરમાં ધરૂની રોપણી કરતા પહેલાં તેમાં પાણી ભરીને ટ્રેક્ટરથી ત્રણ કલાક સુધી ગદડવું પડે છે. તો જ ખેતરમાં પાણી ત્રણ દિવસ સુધી ટકી શકે છે. નહી તો સવારે ભરેલું પાણી સાંજે સુકાઇ જાય છે.

ડાંગરના ધરૂની રોપણીના રૂ. 2000 મજૂરી
ડાંગરના ધરૂની ખેતરમાં રોપણી કરવા માટે ખેડુતોને મજુરો બોલાવવા પડે છે. તેમાં એક વીધા ખેતરમાં ડાંગરની રોપણી માટે મજુરને રૂપિયા 2000ની મજુરી આપવી પડે છે. એક વીઘામાં ઓછામાં ઓછા ચારથી પાંચ મજુરની જરૂર રોપણી માટે પડે છે.

અન્ય સમાચારો પણ છે...