નવા મંત્રીઓના અંગત સચિવ અને અંગત મદદનીશ તરીકે આખરે રેગ્યુલર નિમણૂંકો થઇ ગઇ છે. પીએ- પીએસ તરીકે કુલ 40 અધિકારીઓને નિમણૂંક આપવામાં આવી છે જે પૈકી 17 જેટલા અધિકારીઓ રીપીટ થયા છે જ્યારે બાકીના નવા અધિકારીઓને મૂકવામાં આવ્યા છે. અંગત સચિવ અને અધિક અંગત સચિવ તરીકે ગેસ કેડરના અધિક કલેક્ટર તથા નાયબ કલેક્ટર તેમજ સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને નિમણૂંક આપવામાં આવી છે જ્યારે અંગત મદદનીશ તરીકે સેક્શન ઓફિસર કક્ષાના અધિકારીઓને મૂકવામાં આવ્યા છે.
ગત વર્ષે ભૂપેન્દ્ર પટેલ સરકારે શપથ લીધા બાદ મંત્રીમંડળમાં નો રીપીટ થિયરીની જેમ તેમના પીએ- પીએસમાં પણ આ જ થીયરી અપનાવીને તમામ નવા અધિકારીઓને નિમણૂંક આપવામાં આવી હતી. આ વખતે સંપૂર્ણપણે નો રીપીટ થિયરી અપનાવાઇ નથી. જોકે, મંત્રીઓએ માંગણી કરેલા અધિકારીઓની તપાસ બાદ પાર્ટી કક્ષાએથી અને સીએમઓમાંથી મંજૂરી મળ્યા બાદ નિમણૂંકના આદેશ કરવામાં આવ્યા છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારની ગત ટર્મમાં મંત્રીઓના સ્ટાફમાં રહેલા 17 જેટલા અધિકારીઓને પૂનઃ નિમણૂંક મળી છે. પરંતુ રૂપાણી સરકારમાં મંત્રીઓના અંગત સચિવ કે અંગત મદદનીશ રહી ચૂકેલા એકપણ અધિકારીને ફરી નિમણૂંક આપવામાં આવી નથી. કેબિનેટ મંત્રીઓને ત્યાં એક અંગત સચિવ, એક અધિક અંગત સચિવ અને એક અંગત મદદનીશની નિમણૂંક કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.