રજુઆત:ગુડા વિસ્તારના નવા બનેલા મકાનના માલિકોએ બાંધકામને કાયદેસર કરવા અરજી કરી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુડા વિસ્તારના બિનઅધિકૃત બાંધકામને અધિકૃત કરવા માટે નવ અરજીઓ આવી છે. જેના માટે ફોર્મની નક્કી કરેલી ફી પણ લાભાર્થીઓ દ્વારા ભરી દેવામાં આવી છે. જોકે ગુડાના અધિકારીઓ દ્વારા રાજ્ય સરકારના નિયત કરેલા નિયમાનુસાર તપાસ કરીને અરજી કરનાર લાભાર્થીઓને નિયત કરેલો ચાર્જ ભરવાની જાણ કરવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા બિનઅધિકૃત બાંધકામને અધિકૃત કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના ઇમ્પેક્ટ ફી વટહુકમ-2022 અંતર્ગત બિન અધિકૃત બાંધકામને અધિકૃત કરવાની કામગીરી ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળે શરૂ કરી છે.

જોકે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં રહેણાંક, વાણીજ્ય, શૈક્ષણિક, મનોરંજન સહિતના બાંધકામો આવેલા છે. આ બાંધકામોમાંથી જેમણે પણ બિન અધિકૃત બાંધકામ 350 ચો.મી. કરેલું હોય તેવા અરજદારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જોકે ગુડા વિસ્તારમાંથી માત્ર નવ અરજદારોએ અરજી કરીને બિન અધિકૃત બાંધકામને અધિકૃત કરવાની માંગણી કરી છે.

જોકે બિન અધિકૃત બાંધકામને અધિકૃત કરવાની અરજી માટે ગુડા દ્વારા ફોર્મ ફી રૂપિયા 100 નક્કી કરવામાં આવી છે. તેજ ફી અરજદારો દ્વારા ભરવામાં આવી છે. રાજ્ય સરકારે ગેરકાયદે બાંધકામના વિસ્તાર પ્રમાણે ફીનો દર નક્કી કરવામાં આવ્યો છે. જેમાં 50 ચો.મી. સુધીના 3000, 50થી 100 ચો.મી. સુધીનો 6000, 100થી 200 ચો.મી.સુધીનો 12000, 200થી 300 ચો.મી. સુધીનો 18000 અને 300 ચો.મી.થી વધુ વિસ્તાર માટે રૂપિયા 18000 અને પ્રતિ ચો.મી.150 દર લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ગુડાના અધિકારીઓ દ્વારા તપાસ કરાશે
ગુડા વિસ્તારમાં બિન અધિકૃત બાંધકામને અધિકૃત કરવા માટે આવેલી અરજીઓના આધારે ગુડાના અધિકારીઓ દ્વારા તપાસ કરાશે. તપાસ કર્યા બાદ રાજ્ય સરકારે નિયત કરેલા નિયમાનુસાર તપાસ કરીને ચાર્જ નક્કી કરાશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

ચાર્જ ભરવા લેખિતમાં જાણ કરાશે
ગુડાના અધિકારીઓ દ્વારા બિન અધિકૃત બાંધકામ કેટલા ચો.મી.માં કરેલું છે તેના માટે કેટલો ચાર્જ થાય છે સહિતનો અભ્યાસ કર્યા બાદ અરજદારને કેટલો ચાર્જ ભરવાનો રહેશે તેની લેખિતમાં જાણ કરવામાં આવશે.

કયું કયું બાંધકામ નિયમબદ્ધ થઇ શકશે
માર્જિન, બિલ્ટઅપ, મકાનની ઉંચાઇ, ઉપયોગમાં ફેરફાર, કવર્ડ પ્રોજેક્શન, પાર્કિંગ (ફક્ત 50 ટકા માટે ફી લઇ નિયમબદ્ધ કરાશે), કોમન પ્લોટ (50 ટકા કવરેજની મર્યાદાને આધીન અને માત્ર મળાપાત્ર ઉપયોગ) સેનિટરી સુવિધાનો સમાવેશ થાય છે.

કેવું બાંધકામ અધિકૃત થશે નહીં
જે બાંધકામની મળવાપાત્ર એફએસઆઇ 1.0થી ઓછી હોય, રહેણાંક ઉપયોગ સિવાયના (દા.ત. વાણીજ્ય, શૈક્ષણિક, આરોગ્ય, ઔદ્યોગીક વગેરે) બાંધકામોમાં સીજીડીસીઆર મુજબ મહત્તમ મળવાપાત્ર એફએસઆઇ કરતા 50 ટકા વધારે એફએસઆઇ થતી હોય. પ્લોટની હદથી બહાર નિકળતા પ્રોજેક્શન, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, પાણીના નિકાલ, ઇલેક્ટ્રીક લાઇન, ગેસલાઇન અને જાહેર ઉપયોગી સેવા પર કરેલા બાંધકામનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...