દારૂની મહેફિલમાં ગોળીબાર:ગાંધીનગરના સામ્રાજ્ય ફાર્મ હાઉસના માલિક અને કોંગ્રેસના નેતાની મિત્રએ ગોળી મારી હત્યા કરી, પાંચની અટકાયત

ગાંધીનગર4 મહિનો પહેલા
  • એક મિત્રે રિવોલ્વર વડે પાર્ટી પ્લોટના માલિકને છાતીમાં ગોળી ધરબી દેતાં તેનું મોત
  • બે મિત્ર ફરાર, પોલીસે અન્ય મિત્રોને સ્ટડીમાં લીધા
  • મરનારા ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણી પણ લડ્યા હતા

ગાંધીનગરના સરગાસણ રોડ હડમતિયા વિસ્તારમાં આવેલા સામ્રાજય ફાર્મ હાઉસમાં ગઈકાલે શુક્રવારે આઠ મિત્ર દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ દરમિયાન કોઈ બાબતે મિત્રો વચ્ચે માથાકૂટ થતાં એક મિત્રે રિવોલ્વર વડે પાર્ટી પ્લોટના માલિક પ્રવીણ માણિયાને છાતીમાં ગોળી ધરબી દેતાં તેનું મોત નીપજ્યું છે, ત્યારે બે મિત્ર કારમાં મોડી રાત્રે ફરાર થઈ ગયા હતા. અન્ય મિત્રોને પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે. આ પ્રકરણમાં તલવાર વડે પણ હુમલો કરાયો હતો, જેમાં ફરાર થયેલા બે મિત્રમાંથી એકને વાગી હોવાનું પોલીસે નિવેદન આપ્યું છે.

આઠ મિત્ર દારૂ પીવા બેઠા હતા
ગાંધીનગરનાં હડમતિયા વિસ્તારમાં આવેલા સામ્રાજય પાર્ટી પ્લોટના માલિક પ્રવીણ કલ્યાણ માણિયા, જયદીપસિંહ ગોહિલ, તરુણસિંહ તેમજ સંતોષ ભરવાડ, હરપાલસિંહ જનક જયરાજસિંહ તેમજ મોહિત એમ આઠ મિત્ર ગઈકાલે દારૂની મહેફિલ માણવા બેઠા હતા.

પ્રવીણ માણિયાની પરિવાર સાથેની ફાઈલ તસવીર.
પ્રવીણ માણિયાની પરિવાર સાથેની ફાઈલ તસવીર.

પાર્ટી આપવા બાબતે તકરાર થઇ
પરમિટની મોંઘીદાટ વિદેશી દારૂની મહેફિલ માણતા સમયે પાર્ટી આપવા બાબતે થોડીક તકરાર થઇ હતી, જેથી તમામ મિત્રો અંદરોઅંદર બાખડી પડ્યા હતા. એવામાં પ્રવીણભાઈ અને જયદીપસિંહ તેમજ તરુણસિંહ વચ્ચે વધારે માથાકૂટ થઇ હતી. ત્યારે જયદીપસિંહે પોતાની પાસેની રિવોલ્વર કાઢીને પ્રવીણસિંહની છાતીમાં ગોળી ધરબી દીધી હતી.

પોલીસે પુરાવા એકત્ર કરવા કવાયત હાથ ધરી
ગોળી વાગવાથી પ્રવીણભાઈ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. ફાયરિંગ કર્યા પછી જયદીપસિંહ અને તરુણસિંહ ઝાલા કારમાં ભાગવા લાગ્યા હતા. એ વખતે સંતોષ ભરવાડે તેમને રોકવા માટે પ્રયાસ કર્યો હતો. જેથી જયદીપસિંહ અને તરુણસિંહે સંતોષને લાફા ઝીંકી દીધા હતા અને ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. એને કારણે સંતોષ ભરવાડને પણ ઇજા થઇ હતી.

તપાસ અર્થે પોલીસ ઘટનાસ્થળે પહોંચી.
તપાસ અર્થે પોલીસ ઘટનાસ્થળે પહોંચી.

સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકત્ર કરવા કવાયત હાથ ધરી
પ્રવીણભાઇને આશકા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ છાતીમાં ગોળી વાગી હોવાથી તેમનું પ્રાણ પંખેરુ ઊડી ગયું હતું તેમજ સંતોષની પણ ત્યાં સારવાર કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં સેકટર - 7 પીઆઈ ડીએસ ચૌધરી, ઈન્ફોસિટી પીઆઈ પીપી વાઘેલા, લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ એચપી ઝાલા, જેએચ સિંધવ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકત્ર કરવા કવાયત હાથ ધરી હતી.

મહેફિલ માણતા મિત્રોને કસ્ટડીમાં લઈ લીધા
પોલીસે દારૂની મહેફિલ માણતા મિત્રોને કસ્ટડીમાં લઈ લીધા હતા. આ અંગે સેક્ટર 7 પીઆઈ ડીએસ ચૌધરીએ જણાવ્યું હતું કે સિદ્ધરાજ ઝેડ પ્લસમાં રહેતા 57 વર્ષીય પ્રવીણભાઈ માણિયા મૂળ ભાવનગરના છે તેમજ જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગઈકાલે રાત્રે સામ્રાજ્ય પાર્ટી પ્લોટમાં 8 મિત્ર દારૂ પીવા બેઠા હતા. એ દરમિયાન બગોદરા તારાપુરના જયદીપસિંહ ગોહિલ તેમજ મૂળ સુરેન્દ્રનગરના તરુણસિંહ ઝાલા સાથેની માથાકૂટ દરમિયાન જયદીપસિંહે લાઇસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કરીને પ્રવીણભાઇનું ઢીમ ઢાળી દીધું હતું.

જમીન-દલાલની તેમના જ ફાર્મ હાઉસમાં હત્યા કરાઈ.
જમીન-દલાલની તેમના જ ફાર્મ હાઉસમાં હત્યા કરાઈ.

માથાકૂટમાં ખૂની ખેલ ખેલાયો
જયદીપસિંહ તેમજ તરુણસિંહનું એક મકાન બોપલ વિસ્તારમાં પણ આવેલું છે, જેઓ ગઈકાલે કાર લઈને દારૂ પીવા માટે આવ્યા હતા. કોઈક બાબતે માથાકૂટ થતાં ખૂની ખેલ ખેલાયો હતો. હાલમાં અન્ય મિત્રોની સંડોવણી છે કે નહીં એ બાબતે પૂછપરછ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે પૈસાની માથાકૂટમાં થયેલા ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં ફાયરિંગમાં પ્રવીણભાઈનું મોત થયું હોવાની ચર્ચા વહેતી થઈ છે.

કોંગ્રેસના નેતાઓ સાથે ઘરોબો હતો.
કોંગ્રેસના નેતાઓ સાથે ઘરોબો હતો.

બે વખત ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા હતા
વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રવીણભાઈ કોંગ્રેસ તરફથી ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણી બે વખત લડયા હતા અને હારી ગયા હતા તેમજ જમીન લે-વેચ વ્યવસાય સિવાય તેમને રેતીની લીઝ પણ ચાલે છે.તેમના પરિવારમાં પત્ની તેમજ બે સંતાનો છે. દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. આ ફાર્મ હાઉસ પર અવારનવાર દારૂની મહેફિલ તેઓ યોજતા હતા, પરંતુ ગઈકાલની મહેફિલ તેમની છેલ્લી મહેફિલ સાબિત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...