ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની રાતો રાત બદલી કરી દેવામાં આવી છે. બદલી પાછળનંુ કારણ સામે આવ્યું નથી, પરંતુ પોલીસ કર્મચારીનો ભૂતકાળ સામે આવ્યો હોય તેવી ચર્ચા ચાલી રહી છે. કર્મચારીને અરવલ્લી જિલ્લામાં ડાયરેક્ટ ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ બાબત સમગ્ર પોલીસ બેડામાં ચર્ચાનુ કેન્દ્ર બની છે.
ગાંધીનગર પોલીસમાં ક્યારે શુ થાય તેની હમણાથી ખબર પડતી નથી. અડધી રાત્રે ઓર્ડર કરી દેવામાં આવી રહ્યા છે. જિલ્લામાં એસપી બદલાયા પછી એકા એક કામ કરવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ચાવડાની રાતોરાત રેન્જ આઇજી દ્વારા બદલી કરી દેવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલ દ્વારા સારી બાતમી લાવવામાં આવતી હતી. તે ઉપરાંત કામગીરી બાબતે પણ કોઇ ફરિયાદ ન હતી. તેવા સમયે ગત રાતે રેન્જ આઇજીના આદેશથી અરવલ્લી જિલ્લામાં બદલી કરવામાં આવી છે.
જોકે, આ બાબતે પોલીસ બેડામાં એક ચર્ચા સાંભળવા મળી રહી છેકે, પોલીસ કર્મચારીને તેનો ભૂતકાળ નડી ગયો હોઇ શકે ?. તે ઉપરાંત આશરે 5થી વધુ કેસમાં કર્મચારીની કામગીરી શંકામા આવી હતી. આ બાબતે રેન્જ આઇજી અભય ચૂડાસમાનો ટેલીફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ફોન રિસિવ કર્યો ન હતો. પોલીસ કર્મચારીની રાતોરાત બદલી કરી દેવામાં આવતા હાલમાં આ મુદ્દો પોલીસ બેડામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. એકાએક થયેલી બદલીનો વિષય પોલીસ કર્મચારીઓમાં સાંભળવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.