ફાટક મુક્ત પાટનગર:ગાંધીનગર જિલ્લાનાં ચાર રેલવે ફાટક પર ઓવરબ્રીજ બાંધવામાં આવશે, 200 કરોડનો ખર્ચ થવાનો અંદાજ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ફાટક મુક્ત ગુજરાત યોજના અંતર્ગત ગાંધીનગરના વાવોલ સહિતના ચાર રેલવે ફાટક ઉપર અંદાજીત 200 કરોડના ખર્ચે ઓવરબ્રીજ બાંધવા વહીવટી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. જે અન્વયે પાટનગર યોજના વિભાગ દ્વારા નકશા, ડિઝાઇન તૈયાર કરવાની સાથે ખર્ચ અંદાજ તૈયાર કરીને મંજૂરી માટે સરકારમાં મોકલી આપવામાં આવ્યા છે.

રાજ્યમાં ફાટક મુક્ત ગુજરાત યોજના અંતર્ગત ગાંધીનગર તાલુકા વિસ્તારમાં બે અને ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં એક અને કલોલ તાલુકા વિસ્તારમાં એક રેલવે ફાટક પર ઓવરબ્રિજનું બાંધકામ કરવાની યોજના સાકાર કરવાની દિશામાં કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય રેલવે મંત્રાલય તરફથી લીલી ઝંડી આપી દેવામાં આવતા ગાંધીનગર પાટનગર યોજના વિભાગ ધ્વારા ચાર ઓવરબ્રીજ બાંધવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

જે અન્વયે ગાંધીનગરથી માણસા જતા માર્ગ પર ઘુંઘટ હોટલ નજીક આવેલા રેલવે ફાટક, ઉવારસદથી કર્ણાવતી યુનિવસટી તરફ જતા માર્ગપર આવતા રેલવે ફાટક, ઓળા ચોકડીથી પુન્દ્રાસણ ગામથી વાવોલ જતા માર્ગ પરના રેલવે ફાટક અને કલોલના ઓળા ગામથી પાનસર ગામ જતા માર્ગ પર આવતા રેલવે ફાટક પર ઓવરબ્રિજ બાંધવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે.ઉપરોક્ત ચાર ફાટક જ્યાં આવેલા છે, તે દરેક માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે. ટ્રેન પસાર થવાની હોય તે સમયગાળામાં અહીં વાહનોની રીતસરની લાઇનો લાગે છે અને ફાટક ખુલવાની સાથે ટ્રાફિક જામ થવાની વાત સામાન્ય બની ગઇ છે.ઓવરબ્રિજ બાંધવામાં આવે તો આ ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ થઇ જશે.

એક ઓવરબ્રિજના બાંધકામ પાછળ સરેરાશ રૃપિયા 50 કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે. પરિણામે ચાર બ્રિજ માટે રૃપિયા 200 કરોડના ખર્ચ થવાનો છે. જે આશરે પોણો કે એક કિલોમીટર આસપાસની લંબાઇ ધરાવતા હશે. એક સાથે ચાર ફાટક પર ઓવરબ્રિજની આ યોજના ગુજરાત સરકાર અને ભારત સરકારના રેલ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે ફાટક મુક્ત ગુજરાત નામની યોજના અમલી કરવામાં આવી છે અને તેના અંતર્ગત ટ્રાફિકથી ધમધમતા માર્ગો પર આવતા રેલવેના ફાટક પર ઓવરબ્રિજ બાંધવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...