હાલાકી:બિન સચિવાલય પરીક્ષા માટે 100 કિમી દૂર સેન્ટર ફાળવાતા રોષ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24 એપ્રિલે રાજ્યના 10.45 લાખ ઉમેદવાર પરીક્ષા આપશે
  • ગાંધીનગરના​​​​​​​ અનેક ઉમેદવારોને પણ દૂર જવાની ફરજ પડશે

રાજ્યમાં ત્રણ વાર રદ કરવામા આવેલી બિન સચિવાલયની પરીક્ષા આગામી 24 એપ્રિલે લેવાશે. રાજ્યના 10.45 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. પેપર ફૂટવાથી રદ કરાયેલી પરીક્ષામા ઉમેદવારોના આખા જિલ્લા બદલી નાખવામાં આવ્યા છે. ગાંધીનગરના અનેક ઉમેદવારોને 100 કીમી દૂર રાધનપુર, બાવળા સહિતના મથક પર બેઠક વ્યવસ્થા ફાળવવામા આવી છે. જેને લઇને ઉમેદવારોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યમા બિન સચિવાલયની પરીક્ષાએ સરકારની આબરૂના લીરે લીરા ઉડાવી નાખ્યા છે. એક પછી એક પેપર ફૂટવાના કારણે ઉમેદવારોની મહેનત ઉપર પાણી ફરી વળતુ હતુ.

પહેલી બે પરીક્ષા લેવાયા બાદ પેપર ફૂટી જવાના કારણે રદ કરી હતી. જ્યારે ત્રીજી વખત ગૌણ સેવા મંડળના પ્રમુખ નવા આવ્યા હોવાથી પરીક્ષાની સિસ્ટમ જાણ્યા પછી પરીક્ષા લેવાનુ કહેતા રદ કરાઇ હતી. જેને લઇને પરીક્ષાર્થીઓનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને સરકારની આબરૂની ધોવાણ થયુ હતુ. હવે પરીક્ષા આગામી 24 એપ્રિલના રોજ લેવામા આવનાર છે. જેમા રાજ્યના 10.45 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. જોકે ગાંધીનગર જિલ્લાના અનેક ઉમેદવારોને 100 કીલોમીટર દૂર નંબર ફાળવવામાં આવ્યા છે.

જેના કારણે ઉમેદવારે પોતાનો નંબર આવ્યો હોય તે પરીક્ષા સેન્ટર ઉપર પહોંચવા એક દિવસ પહેલા નિકળવું પડશે. જ્યારે ખાનગી વાહન લઇને જનારા ઉમેદવારોને પણ 5થી 6 કલાક વહેલા ઘરેથી નિકળવુ પડશે. તાલુકા ફેર અથવા નજીકના જિલ્લામાં કે પછી સેન્ટરના કર્મચારીઓને જ બદલી નાખ્યા હોય તો લાખ્ખો ઉમેદવારોને ધોમધખતા તડકામા પરીક્ષા આપવા 100 કીલોમીટરનુ અંતર કાપવાથી બચાવી શક્યા હોત અને તે સમયનો તૈયારી કરવામા ઉપયોગ કરી શક્યા હોત. હાલ આ બાબતે ઉમેદવારોમા રોષ જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...