છેલ્લા દસેક દિવસથી ડહોળું પાણી નગરના સેક્ટર-12ના જ-ટાઇપના સરકારી મકાનોમાં આવી રહ્યું છે. ડહોળું પાણી આવતું હોવાથી તે અંગે સુવિધા કેન્દ્રમાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં કોઇ જ નિરાકરણ નહી આવતા સ્થાનિક લોકોમાં પાણીજન્ય રોગચાળાની દહેશત ફેલાઈ છે.
રાજ્યના પાટનગરને સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત રોડ રસ્તા પહોળા કરવાની સાથે સાથે 24 કલાક પાણી આપવા માટે નવીન પાઇપ લાઇન નાંખવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ રાજ્યના પાટનગરના સેક્ટર-12માં આવેલા સરકારી ક્વાર્ટસ જ-ટાઇપના મકાનોમાં છેલ્લા દસેક દિવસથી ડહોળું પાણી આવી રહ્યું છે. પીવાનું પાણી ડહોળુ આવતા સ્થાનિકોને પાણીજન્ય રોગચાળાની દહેશતથી નિંદર હરામ બની છે. ડહોળું આવતું પીવાનું પાણી અંગે સ્થાનિક સુવિધા કેન્દ્રમાં લેખિત રજુઆત કરવામાં આવી છે. ત્યારે તમારે અહી રજુઆત નહી ત્યાં રજુઆત કરવી તેવા બહાના સુવિધા કેન્દ્રના કર્મચારીઓ દ્વારા બતાવવામાં આવી રહ્યા છે. આથી સેક્ટરના સરકારી ક્વાર્ટસના રહિશોની સમસ્યાઓના ઉકેલ માટે બનાવેલી સુવિધા કચેરી ડહોળા પાણી અંગે દુવિધા સમાન હોય તેવો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો છે.
કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી જ ડહોળું આવતું હોવાથી જ ટાઇપના સ્થાનિક લોકોને ના છુટકે વેચાતુ પાણી ખરીદવાની ફરજ પડી છે. ત્યારે સેક્ટર-12ના જ-ટાઇપના સ્થાનિક રહિશોને ડહોળા પાણીનું કારણ શોધીને તાકિદે રીપેરીંગ કરવામાં આવે તેવી માંગણી સ્થાનિક રહિશોમાં ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.