આક્રોશ:પ્રશ્નોના મુદ્દે સમાધાન કર્યા બાદ અમલ ન થતાં ડોક્ટરોમાં રોષ

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમલવારી નહીં થાય તો 29મીથી આંદોલનની ચીમકી

રાજ્યાની મેડિકલ કોલેજ, જીએમઇઆરએસ કોલેજ સહિતના તમામ કેડરના તબિબોએ પોતાના પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન કર્યું હતું. જોકે રાજ્ય સરકારે રાતોરાત સમાધાન કરીને આદેશ કર્યો હતો. પરંતુ આદેશ કર્યા બાદ તેની અમલવારી નહી કરવામાં આવતા તબિબોમાં રોષ ઉઠવા પામ્યો છે. પોતાના પ્રશ્નોની અમલવારી કરવાની માંગ સાથે ગુજરાત સરકારી ડોક્ટર ફોરમે મુખ્યમંત્રીને રજુઆત કરીને તારીખ 29મી, નવેમ્બરે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

રાજ્યભરની ગુજરાત મેડિકલ શિક્ષક એસોસિએશન, ડેન્ટલ શિક્ષક, જીએમઇઆરએસ ફેકલ્ટી એસોસિએશન, ગુજરાત ઇન-સર્વિસ ડોક્ટર એસોસિએશન, જીએમએસ સીઆઇ-2 મેડિકલ ઓફિસર એસોસિએશન અને ઇએસઆઇએસ એસોસિએશન સહિતના તબિબોએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે છ માસ અગાઉ આંદોલન કર્યું હતું. ઉપરાંત તમામ પ્રકારની કામગીરી નહી કરવાનો નિર્ણય લઇને હડતાલ ઉપર ઉતરી ગયા હતા.

તબીબોની સાથે સાથે નર્સિંગ સ્ટાફ પણ હડતાલ ઉપર ઉતરી ગયો હતો. આથી હોસ્પિટલમાં નિદાન અને સારવાર માટે આવતા ઇન્ડોર અને ઓપીડી દર્દીઓની સારવારને લઇને પ્રશ્નો ઉઠ્યા હતા. આથી રાજ્ય સરકારે રાતોરાત તબિબોની સાથે બેઠક કરીને સમાધાન કરી લીધું હતું. ઉપરાંત યુદ્ધના ધોરણે પરિપત્ર કરીને તબિબો અને નર્સિંગ કર્મચારીઓની હડતાલને આટોપી લીધી હતી. ત્યારબાદ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આદેશ કરવા છતાં તેની અમલવારીને લઇને બાઇ બાઇ ચારણી જેવી હાલત કરી મુકી હોવાનો આક્ષેપ તબિબોએ કર્યો છે.

આથી તબિબોને મળવાપાત્ર હક્કના લાભોની અમલવારી નહી થતાં રાજ્યભરના તમામ કેડરના તબિબોમાં રોષનો જવાળામુખી ફાટ્યો છે. ત્યારે પોતાના પડતર પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે ગુુજરાત સરકારી ડોક્ટર ફોરમે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરીને જો પડતર પ્રશ્નોના આદેશ બાદ તેની અમલવારી કરવામાં નહી આવે તો આગામી તારીખ 29મી, નવેમ્બર-2021ના રોજ સંયુક્ત આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...