ફરીવાર રોગચાળો વકર્યો:કલોલમાં બાળકો સહિત 60 લોકો કોલેરાનો શિકાર બન્યા, એક બાળકનું મોત

ગાંધીનગર5 મહિનો પહેલા
  • બે દિવસમાં 39 દર્દી ઝાડા-ઊલટીના મળી આવ્યા છે : ચીફ ઓફિસર
  • ભૂતકાળમાં પૂર્વ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી ઘરે-ઘરે સર્વેલન્સ હાથ ધરાયું હતું

ગાંધીનગર જિલ્લાના કલોલ રેલવે પૂર્વ વિસ્તારથી 500 મીટર દૂર આવેલા તેજાનંદ, સરસ્વતી, પ્રભુનગર અને દીવડા તળાવ રહેણાક વસાહતમાં બાળકો સહિત 60 જેટલા લોકો કોલેરાનો શિકાર બનતાં આસપાસના વિસ્તારમાં ફરીવાર ફફડાટ વ્યાપી જવા પામ્યો છે, જ્યારે એક બાળકનું મોત થયું છે. ગઈકાલે રાત્રિથી કોલેરાના દર્દીઓને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની નોબત આવી છતાં આરોગ્યતંત્ર હજી પણ ગાઢ નિદ્રામાં પોઢી ગયું હોવાનો ઘાટ ઘડાયો છે.

જિલ્લા આરોગ્યતંત્ર દોડતું થયું
ગાંધીનગરમાં જુલાઈ મહિના દરમિયાન કલોલના પૂર્વ રેલવે વિસ્તારમાં કોલેરાએ હાહાકાર મચાવી દેતાં જિલ્લા આરોગ્યતંત્ર દોડતું થઇ ગયું હતું. ગટર અને પીવાનું પાણી ભેળસેળયુક્ત થઈ જતાં કલોલ પૂર્વમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળતાં કલોલ પૂર્વ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી ઘરે-ઘરે સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું.

કલોલ પૂર્વના જેપીની લાટી, ત્રિકમનગર, શ્રેયસના છાપરા સહિતના વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો હતો. આ રોગચાળો જીવલેણ સાબિત થયો હતો. અને એમાં બે બાળક સહિત ત્રણનાં મોત નીપજ્યાં હતાં. ત્યારે આ રોગચાળો કોલેરા હોવાનું સામે આવ્યા બાદ અત્રેના બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યું હતું.

પાણણીજન્ય રોગચાળાના દર્દીઓ પણ સામે આવ્યા
નવા વિસ્તારોમાંથી એટલે કે કલોલના મધ્યમાં આવેલી સોસાયટીઓમાંથી પાણીજન્ય રોગચાળાના દર્દીઓ પણ પ્રકાશમાં આવવા લાગ્યા હતા. એને કારણે આ કોલેરાનો રોગચાળો વકર્યો હોવાનું નિષ્ણાતોએ શંકા વ્યક્ત કરી હતી. ત્યારે કલોલના મધ્યમાં આવેલા મંગળ ગિરધરનગર પ્રેસ વિસ્તારમાં રહેતા પરિવારની નવ વર્ષીય બાળકીનું પણ ઝાડા-ઊલટી બાદ મોત નીપજ્યું હતું.

60 જેટલા લોકો ઝપેટમાં આવ્યા
કલોલમાં પીવાનું અને ગટરનું પાણી મિશ્રિત થવાથી ઝાડા-ઊલટીના કેસો વધી જતાં લોકસભા સાંસદ અમિત શાહ દ્વારા પણ ગાંધીનગર આરોગ્યતંત્રને ખાસ સૂચનાઓ પણ અપાઈ હતી. જોકે કલોલ નગરપાલિકાની બેદરકારીને કારણે પૂર્વ વિસ્તારમાં ફરીવાર કોલેરાએ પગ પેસારો કરીને 60 જેટલા લોકોને ઝપટમાં લઈ લીધા છે.

પ્રભુનગર અને દીવડા તળાવ વિસ્તારના રહેવાસીઓ ફફડી ઊઠ્યા
આ વખતે નાનાં બાળકો પણ કોલેરાની ઝપટમાં આવી જતાં પ્રભુનગર અને દીવડા તળાવ વિસ્તારના રહેવાસીઓ ફફડી ઊઠ્યા છે. આ અંગે કલોલ વોર્ડ નંબર - 4 વિસ્તારમાં રહેતા અસરગ્રસ્તોએ જણાવ્યું હતું કે દૂષિત પાણીની સમસ્યા અંગે વારંવાર નગરપાલિકા તંત્રને રજૂઆત કરી હતી, પરંતુ ભૂતકાળની જેમ આ વખતે પણ કોઈએ ફરિયાદોનાં નિરાકરણ માટે કાર્યવાહી કરી નહોતી. એને કારણે બે-ત્રણ દિવસથી નાનાં નાનાં બાળકો સહિત 60 જેટલા લોકો કોલેરાનો શિકાર થયા છે. હાલમાં અત્રેના વિસ્તારમાં ઘરે-ઘરે કોલેરાના દર્દીઓના ખાટલા થઈ ગયા છે.

આરોગ્ય ટીમ દ્વારા તમામ દર્દીઓના લોહીના નમૂના લેવાયા
આ અંગે કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કલોલ પૂર્વ વોર્ડ નંબર - 4 વિસ્તારમાં તેજાનંદ સોસાયટી, સરસ્વતી સોસાયટી, પ્રભુનગર અને દીવડા તળાવ વિસ્તારમાં 39 દર્દી ઝાડા-ઊલટીના મળી આવ્યા છે, જેને પગલે સવારથી જ આરોગ્ય ટીમ દ્વારા તમામના લોહીના નમૂના લઈને સર્વેલન્સ શરૂ કરી દેવામાં આવ્યું છે. વધુમાં ચીફ ઓફિસરે ઉમેર્યું હતું કે માણસા ઓવરબ્રિજ નીચે આવેલી ગટરલાઈનને કારણે સમસ્યા સર્જાય છે. દૂષિત પાણીના નિકાલ માટે પંપ મૂકીને નિકાલ કરવામાં આવી રહ્યો છે. એક તરફથી દૂષિત પાણી ભરાઈ રહેવાને કારણે સમસ્યા ઊભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...