આંગળી કાપીને શહીદી વહોરી:જે 14 ​​​​​​​મંત્રીઓના ભાસ્કરે નામ છાપ્યાં એમાંથી 5 પૂર્વ મંત્રીએ જાતે કહ્યું- અમને ટિકિટ ના આપો

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીમાં આવેલા ભાજપ મુખ્યાલયે બુધવારે ગુજરાતની ચૂંટણીના પાર્ટીના ઉમેદવારોના નામ નક્કી કરવા માટે યોજાયેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક. બેઠકમાં પીએમ મોદી, પાર્ટી પ્રમુખ જેપી નડ્ડા તથા ટોચના નેતા ઉપસ્થિત હતા. - Divya Bhaskar
નવી દિલ્હીમાં આવેલા ભાજપ મુખ્યાલયે બુધવારે ગુજરાતની ચૂંટણીના પાર્ટીના ઉમેદવારોના નામ નક્કી કરવા માટે યોજાયેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક. બેઠકમાં પીએમ મોદી, પાર્ટી પ્રમુખ જેપી નડ્ડા તથા ટોચના નેતા ઉપસ્થિત હતા.
 • સૌથી પહેલાં વિજય રૂપાણી, નીતિન પટેલ પછી ના પાડનારાઓની લાઇન લાગી
 • ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર. સી. ફળદુ, પ્રદીપસિંહ જાડેજાઅે પણ મુક્તિ પત્ર લખ્યો
 • આજે 30-40ને બાદ કરતા ભાજપના તમામ ઉમેદવાર જાહેર કરી દેવામાં આવશે
 • પક્ષે ઘણું આપ્યું અને ઘણું મેળવ્યું એમ જણાવી દરેકે નવા લોકો માટે જગ્યા કરી આપવા જણાવ્યું

ગુજરાત ભાજપના ઉમેદવારોની યાદી માટે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક ચાલી રહી હતી તે સમયે જ ગુજરાતમાંથી ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભૂતપૂર્વ કેબિનેટ મંત્રીઓ આર. સી. ફળદુ અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા તેમજ રાજ્યકક્ષાના ભૂતપૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પાર્ટી પ્રમુખ સી આર પાટીલને પત્ર લખીને ચૂંટણી લડવા માટેની અનિચ્છા દર્શાવી હતી.આ પાંચેય નેતાઓએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે તેમને પાર્ટીએ ઘણું આપ્યું છે.

તેઓએ નાના કાર્યકર્તા તરીકે કારકિર્દી શરૂ કરી અને ત્યાંથી તેમને ઉચ્ચ પદો પર બેસાડ્યાં તે માટે તેઓ આભારી છે અને હવે તેઓ પોતે ચૂંટણી લડવાને બદલે કોઇ નવા નેતાને તક મળે તે માટે જગ્યા કરી આપવાની ઇચ્છા ધરાવે છે. ઉલ્લેખનીય છે કે આ પૈકી મોટાભાગના નેતાઓએ અલગઅલગ રીતે ચૂંટણી લડવા માટેની ઇચ્છા અગાઉ દર્શાવી હતી. હવે આ તમામ નેતાઓને પાર્ટી અમુક વિસ્તાર કે બેઠકોની જવાબદારી આપશે જ્યાં તેમને પક્ષના ઉમેદવારને જીતાડવા માટે કામ કરવાનું રહેશે. હજુ પણ રૂપાણી સરકારના ઘણાં મંત્રીઓની ટિકિટો કપાઇ શકે તેમ છે.

મોટા માથા જે નહીં લડે

 • વિજય રૂપાણી ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાજકોટ પશ્ચિમ
 • નીતિન પટેલ ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી - મહેસાણા
 • ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી- ધોળકા
 • ​​​​​​​પ્રદીપસિંહ જાડેજા ભૂતપૂર્વ રાજ્યકક્ષાના ગૃહમંત્રી- વટવા(અમદાવાદ)
 • આર. સી. ફળદુ ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી- જામનગર દક્ષિણ

આજે ભાજપની પહેલી યાદી આવશે, 150 જેટલા સીટના ઉમેદવારના નામ જાહેર થશે
ભાજપના ઉમેદવારો નક્કી કરવા માટે દિલ્હીમાં વડાપ્રધાન મોદીની હાજરીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપની લગભગ તમામ બેઠકો પર ઉમેદવારોના નામ નક્કી થઇ ગયા છે. ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી ગુરુવારે સવારે 11 વાગ્યાની આસપાસ બહાર પાડશે, જેમાં લગભગ 150 આસપાસ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરાશે.

અગાઉ ભાસ્કરે જે નામ પર ચોકડી વાગી શકે તે જાહેર કર્યાં હતાં તેમાં જૂના મંત્રીમંડળ પૈકી આ નામોનો સમાવેશ થાય છે

 • વિજય રૂપાણી
 • નીતિન પટેલ
 • ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
 • પ્રદીપસિંહ જાડેજા
 • આર સી ફળદુ
 • કૌશિક પટેલ
 • સૌરભ પટેલ
 • ઇશ્વરસિંહ પટેલ
 • જયદ્રથસિંહ પરમાર
 • બચુ ખાબડ
 • વાસણ આહીર
 • વિભાવરી દવે
 • કિશોર કાનાણી
 • રમણ પાટકર

જૂની કેબિનેટના અન્ય મંત્રી કપાશે એ પણ નક્કી છે
પ્રા થમિક દૃષ્ટિએ જ આ તમામ સિનિયર નેતાઓએ ચૂંટણી લડવાની ના સામેથી પાડી હોય તેવું લાગતું નથી. એકમાત્ર વિજય રૂપાણીને બાદ કરતાં તમામ નેતાઓએ પોતે ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરેલી છે. જો કે તેમને અંદેશો હતો જ કે પક્ષના મોવડીમંડળે સરકારમાંથી રૂખસદ આપ્યા બાદ હવે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટમાંથી પણ બાકાત રાખશે, તેમ છતાં આ નેતાઓએ બાંધી મૂઠી લાખની સમજીને કોઇ લાગણી પ્રદર્શિત કરી ન હતી. હવે અચાનક જ જૂની સરકારના પાંચ સિનિયર મંત્રીઓએ પત્ર લખીને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે, તે સીધી રીતે જ મોવડીમંડળના આદેશનું પાલન હોય તેવું કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય. હાલ માત્ર પાંચ મંત્રીઓએ જાહેરાત કરી છે, પરંતુ ટિકિટોની જાહેરાત થતાં ઘણાં અન્ય જૂના મંત્રીઓ પણ કપાઇ જશે તે લગભગ નક્કી છે.

અન્ય સમાચારો પણ છે...