સાયન્સનું પરિણામ:ગાંધીનગરમાં ધોરણ-12 સાયન્સનાં 4290 પરીક્ષાર્થીઓમાંથી માત્ર પાંચ વિદ્યાર્થીએ A-1 ગ્રેડ હાંસલ કર્યો, જિલ્લાનું 69.39 ટકા પરિણામ આવ્યું

ગાંધીનગર11 દિવસ પહેલા
  • 1322 વિદ્યાર્થીઓનાં રિઝલ્ટમાં need improvement(n.i) લખેલું આવ્યું
  • ગેરેજ માલિકના દીકરાએ સતત 11 કલાક મહેનત કરીને સફળતા હાંસલ કરી
  • પાટણનાં પીએસઆઇની દીકરીએ હોસ્ટેલમાં રહીને પરીક્ષામાં A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો

આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. રાજ્યમાં ધોરણ - 12 સાયન્સની પરીક્ષામાં 1 લાખ 8 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ગાંધીનગર જિલ્લામાં 4290 પરીક્ષાર્થીઓ માંથી માત્ર પાંચ વિદ્યાર્થીએ A-1 ગ્રેડ હાંસલ કર્યો છે. જ્યારે સમગ્ર ગાંધીનગર જિલ્લાનું 69.39 ટકા રિઝલ્ટ સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વખતે ધોરણ 12 સાયન્સમાં 95,361 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ધોરણ 12 સાયન્સનું 72 ટકા જાહેર થયું છે. 196 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 3,306 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો. જ્યારે ધોરણ 12 સાયન્સ ગુજરાતી માધ્યમનું પરિણામ 72. 4 ટકા આવ્યું છે.

રાજ્યમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા માટે 1,08,000 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જ્યારે ગાંધીનગર જિલ્લાનું ધોરણ - 12 સાયન્સનું 69.39 ટકા પરિણામ જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામ ઉપર નજર કરીએ તો ગાંધીનગર જિલ્લામાં 4 હજાર 299 વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાથી 4 હજાર 290 વિધાર્થીઓએ ધોરણ - 12 સાયન્સની પરીક્ષા આપી હતી.

જે પૈકી આખા જિલ્લામાંથી પાંચ વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ હાંસલ કર્યો છે. ઉપરાંત 114 વિદ્યાર્થીએ A-2, 319 વિદ્યાર્થીએ B-1, 513 વિદ્યાર્થીએ B-2, 835 વિદ્યાર્થીએ C-1, 934 વિદ્યાર્થીએ C-2, 256 વિદ્યાર્થીએ - D અને 1 વિદ્યાર્થી એ E ગ્રેડ હાંસલ કર્યો છે. આ સિવાય 1322 વિદ્યાર્થીનાં રિઝલ્ટમાં N.i એટલે કે need improvement જાહેર કરવામાં આવ્યું છે. આમ ગાંધીનગર જિલ્લામાં ઓવર ઓલ પરિણામ 69.39 જાહેર કરવામાં આવ્યું છે.

આજે જાહેર થયેલા પરિણામમાં A-1 ગ્રેડ હાંસલ કરનાર મહર્ષ ઉપેન્દ્રસિંહ સોલંકીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પરીક્ષામાં સફળતા હાંસલ કરવા માટે તો ગોલ નક્કી કરવો પડે છે. એટલે જ મેં ઘરે દિવાલ ઉપર એક મોટો ચાર્ટ લગાવીને લખ્યું હતું કે SSC અને HSC માં A-1 ગ્રેડ હાંસલ કરવાનો છે. જે મુજબ રોજની 10 થી 11 કલાકની મહેનત શરૂ કરી હતી. કોરોના કાળના કારણે ઓનલાઈન શિક્ષણનાં કારણે પેપર રાઈટિંગની પ્રેક્ટિસ છૂટી ગઈ હતી. પરંતુ કોચિંગ ક્લાસ અને સેકટર - 22 ની સ્વામિનારાયણ શાળામાં પેપર રાઇટિંગ સ્કીલ સુધારી દેવામાં આવી હતી.

વધુમાં મહર્ષએ ઉમેર્યું હતું કે અભ્યાસ માટે માતા - પિતા અને બહેન દ્વારા સતત મોટિવેટ કરીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવતું હતું. જેનાં કારણે પણ આજે A-1 ગ્રેડ હાંસલ કરી શક્યો છું. તો ક્રિકેટ - ફૂટબોલનો શોખીન મહર્ષ હવે નીટમાં સારું પરિણામ લાવીને મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરવા ઈચ્છી રહ્યો છે. જેનાં પિતા ગેરેજ ચલાવે છે જ્યારે માતા ગૃહિણી છે.

શેઠ સીએમ હાઈસ્કુલમાં ભણતી અને હોસ્ટેલમાં રહેતી ખુશી પટેલના પિતા કે બી પટેલ પાટણનાં સમી ખાતે પીએસઆઇ છે. જ્યારે માતા ટીચર છે. પોતાની સફળતાની વાત કરતા ખુશીએ જણાવ્યું હતું કે, ઘરનું વાતાવરણ એજ્યુકેટેડ હોવાથી પહેલેથી જ અભ્યાસમાં મારી રુચિ રહી છે. ધોરણ - 10 માં પણ 92 ટકા આવ્યા હતા. જે પછી વતન બેચરાજીથી માતા પિતાએ શહેરની શેઠ સીએમ શાળામાં એડમિશન લીધું હતું.

અહીં હોસ્ટેલમાં રહીને ખુશીએ ધોરણ - 12 સાયન્સની અથાગ તૈયારીઓ કરી હતી. રોજની દસ બાર કલાકનું વાંચન કરતી ખુશી એ A-1 ગ્રેડ મેળવવા બદલ શાળા તેમજ માતા પિતાને શ્રેય આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...