તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડક કાર્યવાહી:ગાંધીનગરનાં ભૂમાફિયા વિરુદ્ધની 138 અરજીઓ પૈકી 11 અરજીમાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુના દાખલ કરાયા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્ય સમક્ષ 243 અરજીઓ આવી હતી જેમાંથી 138 પર કાર્યવાહી હાથ ધરી

ગુજરાતમાં જમીનો-મિલકતો ઉપર માથાભારે તત્વો દ્વારા ગેરકાયદે કબજાના વધતા જતા કેસોને ડામવા રાજ્ય સરકારે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટ 2020 નામનો કડક કાયદો બનાવેલ છે. ગાંધીનગર જિલ્લા કલેકટર સમક્ષ આ કાયદા અંતર્ગત કાર્યવાહી કરવાની માંગ સાથે 243 અરજીઓ થઈ હતી. જે પૈકી 138 અરજી પર કાર્યવાહી કરી 11 અરજીઓમાં ગુનો દાખલ કરવાનો કલેક્ટર દ્વારા હુકમ પણ કરી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં ભૂ માફિયા ઓ દ્વારા ગેરકાયદેસર રીતે જમીનો પચાવી લેવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠયા બાદ રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ કાયદો અમલી કરી કોઇ પણ પ્રકારની મિલકત પચાવી પાડનારા સામે કડક કાર્યવાહી કરવાં જિલ્લા કલેકટરોને સત્તા સોપવામાં આવી છે. જે અન્વયે ગાંધીનગર જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્ય સમક્ષ 243 અરજીઓ આવી હતી. જેમાથી 138 અરજીઓમાં કાર્યવાહી કરી 11 અરજીમાં ગુના પણ દાખલ કરી દેવામાં આવ્યા છે.

આ અંગે ગાંધીનગર જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્ય એ જણાવ્યું હતું કે, જમીનની ફરિયાદો ને લગતી 243 અરજીઓ આવી છે. જેમાં 138 અરજીઓ પૈકી 18 અરજી માં ગુના દાખલ કરવા મંજૂરી આપી દેવામાં આવી છે. જે અંતર્ગત 11 ગુના દાખલ પણ થઈ ચૂક્યા છે અને 9 લોકો સામે ચાર્જશીટ પણ ફાઈલ થઈ ચૂકી છે.

સામાન્ય રીતે ઓનલાઈન માધ્યમથી અરજી આવે એટલે બીજા દિવસે અરજદારે રૂબરૂમાં આવીને આધાર પુરાવા રજૂ કરવાના રહે છે. જેની ચકાસણીનાં અંતે જિલ્લા પોલીસ વડા તેમજ સંબંધિત રેવન્યુ અધિકારીને તેની જાણ કરવામાં આવે છે. ત્યાર બાદ દરેક અરજી પર ગહન ચર્ચા કરવામાં આવે છે. દરેક અરજી પર એસ.પી તેમજ રેવન્યુ અધિકારી સાથે દર પંદર દિવસે મિટિંગ યોજીને તમામ આધાર પુરાવાઓ ચકાસીને લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો દાખલ કરવા મંજૂરી આપવામાં આવતી હોય છે.

કલેક્ટર ડો. કુલદીપ આર્ય એ ઉમેર્યું હતું કે, ગાંધીનગર અને કલોલ વિસ્તારમાંથી અરજીઓ વધુ આવતી હોય છે. છેલ્લા ઘણા સમય થી કોરોના કાળ ચાલતો હોવાના કારણે અરજી ઓ સંદર્ભે મિટિંગ થઈ શકતી ન હતી. જેનાં કારણે આવેલી અરજીઓ ના નિકાલની કામગીરી ધીમી પડી ગઈ હતી. પરંતુ હવે પેન્ડીંગ અરજી ઓ પર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જમીન પચાવી પાડવાના પ્રતિબંધના કાયદા 2020 અંતર્ગત કાયદેસરની બીજાની માલિકીની જમીન, મિલકત બળજબરીથી, આર્થિક ઉપાર્જન મેળવવા, કપટ કરી, ફ્રોડ કરી, ધાક ધમકી આપી એટલે કે ગેરકાયદે રીતે પચાવી પાડનાર વ્યક્તિ સામે ફોજદારી પગલાં લેવાની તેમજ ગુનો સાબિત થાય તો ઓછામાં ઓછી 10થી 14 વર્ષ જેલની સજાની જોગવાઈ પણ છે.

અન્ય સમાચારો પણ છે...