ગુજરાત વિધાનસભાની ચૂંટણી:3 વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરવા આદેશ

ગાંધીનગર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત વિધાનસભા - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત વિધાનસભા - ફાઇલ તસવીર
 • વિધાનસભાની ટર્મ 18 ફેબ્રુઆરી 2023ના રોજ પૂર્ણ થતી હોવાથી ચૂંટણી પંચ એક્શન મોડમાં
 • કેન્દ્રિય​​​​​​​ ચૂંટણી પંચે રાજ્યના ચીફ સેક્રેટરીને બદલી અંગે પત્ર લખ્યો

ગુજરાત વિધાનસભાની ચાલુ વર્ષે યોજાનાર સામાન્ય ચૂંટણીઓને લઇને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે આગોતરી વ્યવસ્થાના ભાગરૂપે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયા સાથે સીધી કે આડકતરીરીતે સંકળાયેલા હોય તેવા ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવનાર અધિકારી- કર્મચારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આ સાથે વતનના જિલ્લામાં ફરજ બજાવતા હોય તેવા અધિકારી- કર્મચારીઓને પણ બદલવામાં આવશે. બદલી દરમિયાન પણ કોઇ કર્મચારીને તેના વતનના જિલ્લામાં નિમણૂંક ન અપાય તેની તકેદારી રાખવા જણાવાયું છે.

કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યના ચીફ સેક્રેટરીને કર્મચારીઓની બદલી અંગે પત્ર લખવામાં આવ્યો છે. વર્તમાન ગુજરાત વિધાનસભાની ટર્મ 18 ફેબ્રુઆરી 2023ના રોજ પુરી થાય છે. આ તારીખની અસરથી જે કર્મચારીને એ જ સ્થળે ફરજના 3 વર્ષ પુરા થતા હોય તેમની બદલી કરવાની રહે છે. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પણ બદલી કરવામાં આવશે. તમામ પ્રક્રિયાઓ 30મી સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ ચૂંટણી પંચે આદેશ કર્યો છે.

કલેક્ટર, મામલતદાર સહિતનાની બદલી થશે

 • અધિક કલેક્ટર- જોઇન્ટ કલેક્ટર
 • પ્રાંત અધિકારી (એસડીએમ)
 • ડેપ્યુટી કલેક્ટર
 • મામલતદાર
 • બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર
 • ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા રિટર્નિંગ ઓફિસર

રેન્જ આઈજીથી માંડી PI સુધીના અધિકારી બદલાશે

 • રેન્જ આઇજી
 • ડીઆઇજી
 • કમાન્ડન્ટ, સ્ટેટ આર્મ પોલીસ
 • ડીએસપી- એસએસપી, એડિશનલ એસપી
 • ડીવાયએસપી
 • એસએચઓ
 • ઇન્સ્પેક્ટર
 • પીએસઆઇ

ઉમેદવારના સંબંધી ન હોવાનું સોંગદનામુ રજૂ કરવું પડશે
ચૂંટણી ફરજ પર રોકાયેલા તમામ અધિકારીઓએ ઉમેદવારીપત્ર સ્વીકારવાની તારીખ પૂર્ણ થયાના બે દિવસ બાદ પોતે ઉમેદવારના નજીકના સંબંધી નથી તેમજ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા નથી તે પ્રકારનું સોગંદનામુ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે. આ સોગંદનામામાં પોતાની સામે કોઇપણ ક્રિમિનલ કેસ પેન્ડિંગ નથી તેવું પણ દર્શાવવાનું રહેશે.

કેસ ચાલતો હોય તેવા લોકોને ફરજ નહીં સોંપાય
​​​​​​​ચૂંટણી પંચે ખાસ તાકીદ કરી છે કે જે અધિકારી- કર્મચારી સામે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય કે કેસ ચાલુ હોય તેવા અધિકારીને ચૂંટણી ફરજ સોંપી શકાશે નહીં. ભૂતકાળમાં જે અધિકારી સામે શિસ્ત વિષયક પગલાં લેવાયા હોય અને નિવૃત્તિ બાદ પૂનઃ નિમણૂક અપાઇ હોય તેવા અધિકારીઓને પણ ચૂંટણી કામગીરીથી દૂર રાખવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...