બનાસ ડેરીના 1306 સભાસદોનો બનાસ ડેરી મારફતે ભારતીય જીવન વીમા નિગમ પાસેથી વીમો લેવામા આવ્યો હતો. જેમા 1252 ફરિયાદ કુદરતી મોતના કિસ્સામા રૂ. 30 હજાર માટે કરાઈ હતી. જ્યારે 54 ફરિયાદ અકસ્માતના કિસ્સામા ક્લેમ કરવામા આવી હતી. પરંતુ એલઆઇસી દ્વારા પોલીસીનો ક્લેઈમ નહિ ચૂકવાતા તમામ વીમા ધારક સભાસદોએ ગાંધીનગર ગ્રાહક ફોરમમા ફરિયાદ કરી હતી. ગાંધીનગર ફોરમમા 4 એપ્રિલ 2019મા ફરિયાદ થતા આ કેસમાં એક ટેમ્પો ભરાય તેટલા દસ્તાવેજ તપાસાયા હતા.
એલઆઇસી દ્વારા બે પ્રિમિયમ સ્વિકારાયા હતા તેમ છતા સભાસદોને વીમાનો ક્લેઇમ પાસ કરાતો ન હતો. આ કેસમાં ગ્રાહક ફોરમના પ્રમુખ ડી.ટી.સોની અને સભ્ય જીગર જોશી દ્વારા કેસને સાંભળવામા આવ્યો હતો. ગત 21 ઓક્ટોબરના રોજ કેસને સવા સાત કલાક સુધી ચલાવવામા આવ્યો હતો. ત્યારબાદ ચૂકાદો તૈયાર કરાયો હતો. આ ચૂકાદો 30મીના રોજ જાહેર કરાયો હતો. જેમા એલઆઇસીને રૂ 5 કરોડ સભાસદોને ચૂકવી આપવા આદેશ કર્યો હતો.
એક સાથે 1306 કેસનો પહેલીવાર ચૂકાદો અપાયો : પ્રમુખ ડી.ટી.સોની
ગ્રાહક ફોરમના અધ્યક્ષ ડી.ટી.સોનીએ કહ્યુ હતુ કે, દેશમા પહેલીવાર એક સાથે 1306 કેસનો ચૂકાદો એક સપ્તાહમા જ તમામ પ્રક્રિયા પુરી કરી આપવામા આવ્યો છે. અમારા સ્ટાફ દ્વારા એટલી બધી ફાઇલોની તપાસ કરવામા આવી હતી કે, જે એક સપ્તાહમા ચૂકાદો આપી શકાય તેમ ન હતો. બનાસ ડેરીના 1306 સભાસદો દ્વારા ગ્રાહક ફોરમમા ફરિયાદ કરાયા બાદ પ્રમુખ ડી.ટી.સોનીએ એલઆઇસીને આકરો દંડ ફટકાર્યો હતો. જેમા રૂપિયા 1 હજાર સભાસદ દ્વારા કરવામા આવેલા ખર્ચ અને રૂપિયા 1 હજાર સભાસદને માનસિક ત્રાસ આપવા માટે ફટકાર્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.