સેક્ટર-11 ખાતે બાંધકામ સાઈટ પર ભેખડ ધસી પડતાં યુુવકના મોતના કિસ્સામાં બિલ્ડરને પેનલ્ટી સહિત 14 લાખ જેટલું વળતર ચુકવવા આદેશ થયો છે. પૂર્વ મેયરના પતિ તથા જે. કે. ઈન્ફ્રાના વહીવટકર્તા કેતન પટેલને આ વળતર ચુકવવા લેબર કોર્ટે આદેશ કર્યો છે.
સેક્ટર-11 સુમન ટાવરની બાજુમાં જે. કે. ઈન્ફ્રા દ્વારા સ્કાય લાઈન બિલ્ડિંગનું કામકામ 2018માં શરૂ કરાયું હતું. 23 જુન 2018ના રોજ રાત્રે 10 વાગ્યાના સુમારે બેઝમેન્ટની ખોદકામ વખતે અહીં ભેખડ ધસી પડી હતી. જેમાં જિગ્નેશ અને સચીન નામના બે શ્રમિકો દટાયા હતા. જેને તાત્કાલિક પહોંચેલી ફાયર બ્રિગેડે ભારે જહેમતથી બહાર કાઢીને સિવિલ ખસેડ્યા હતા. જોકે તે પહેલાં જિગ્નેશ ભરતભાઈ મછારનું મોત થઈ ગયું હતું.
જે અંગે પહેલાં અકસ્માતે મોતની નોંધ અન તે બાદ સાપરાધ મનુષ્ય વધ અને એટ્રોસિટી એક્ટ હેઠળ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. 17 વર્ષના યુવકના મોત બાદ પણ બિલ્ડર દ્વારા વળતર ન ચુકવાતા સમગ્ર મામલો લેબર કોર્ટમાં પહોંચ્યો હતો. જે અંગે કોર્ટે મૃત્ય અન્વયે 9,19,960 રૂપિયા વળતર અને 4,59,980 પેનલ્ટી ચુકવવા ઠરાવ્યું હતું. આ રીતે આ કેસમાં મૃતકના વારસદારને વળતર તરીકે 13.79 લાખની રકમ ચુકવવા માટે લેબર કોર્ટ દ્વારા આદેશ થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.