આદેશ:વોરંટ સાથે મફત મુસાફરી કરતા પોલીસ કર્મીઓનું રજિસ્ટર નિભાવવા આદેશ

ગાંધીનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિલ બનાવીને સ્થાનિક જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ મોકલવંુ

એસ ટી બસમાં પોલીસ વોરંટ સાથે મફત મુસાફરી કરતા પોલીસ કર્મચારીઓનું રજિસ્ટર નિભાવવાનું રહેશે. ઉપરાંત નિકળતા નાણાં અંગેનું બિલ બનાવીને સ્થાનિક જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે મોકલીને નાણાં મેળવવા માટેની સુચના રાજ્યભરના તમામ ડેપો મેનેજરોને આપવામાં આવી હોવાનું કર્મચારીઓએ જણાવ્યું છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિવિધ યોજના અંતર્ગત મફત મુસાફરીનો લાભ આપવામાં આવે છે. જેમાં દિવ્યાંગ, વોરંટ સાથે મુસાફરી કરતા પોલીસ જવાન, વિદ્યાર્થીનીઓને મફત પાસ સહિતની યોજના માટે નિયત કરેલા વિભાગમાંથી તેના નાણાં એસ ટી નિગમને આપવામાં આવે છે. જેમ કે સમાજકલ્યાણ વિભાગ દ્વારા દિવ્યાંગ મુસાફરની ટિકિટના નાણાં આપે છે. તેજ રીતે શિક્ષણ વિભાગ વિદ્યાર્થીનીઓના મફત પાસના અને જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાંથી વોરંટ સાથે મુસાફરી કરતા પોલીસ જવાનના નાણાં એસ ટી નિગમને ચુકવવામાં આવે છે.

જોકે રાજ્યના તમામ ડિવિઝનના વિભાગીય નિયામક અને ડેપો મેનેજરોની એક બેઠક તાજેતરમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં નિગમની આવકમાં વધારો કરવા માટે શું શું અને કેવું કેવું આયોજન કરવું તેની જાણકારી આપી હતી. ઉપરાંત એસ ટી બસમાં વોરંટ સાથે મુસાફરી કરતા પોલીસ જવાનને જીરોની ટીકિટ આપવાની રહેશે. ત્યારબાદ તેની નોંધ કંડક્ટરે વેબીલમાં કરવાની રહેશે. કંડક્ટરે આપેલા વે-બીલ ઉપરથી તેની નોંધણી માટે એક રજિસ્ટર નિભાવવાનું રહેશે.

રજિસ્ટરમાં પડેલી એન્ટ્રીના આધારે સમયાંતરે બાકી નિકળતા નાણાં સબંધિત અધિકારીઓ પાસેથી વસુલવાના રહેશે તેવી સુચના આપી છે. ઉપરાંત જો કોઇ ડેપોમાં રજિસ્ટ્રર નિભાવવામાં આવતું હોય તો તાકીદે નાણાંની વસુલાતની કામગીરી કરવાની સુચના આપવામાં આવી હોવાનું એસ ટી નિગમના કર્મચારીઓએ જણાવ્યું છે. તાજેતરમાં યોજાયેલી બેઠકમાં નિગમની આવકમાં વધારો કરવા માટે શું કરી શકાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આ પ્રકારનો સુઝાવ બહાર આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...