એસ.ટી.નિગમનો આદેશ:અમદાવાદ હિંમતનગર હાઇવે ઉપર આવેલા છાલા બસ સ્ટેન્ડ પર એક્સપ્રેસ સહિત બસો ઊભી રાખવા આદેશ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ હિંમતનગર હાઇવે ઉપર આવેલા છાલા ગામના બસ સ્ટેન્ડ ઉપર ગુર્જરનગરી અને એક્સપ્રેસની તમામ બસ ઊભી રાખવાનો એસ.ટી.નિગમે આદેશ કર્યો છે. ઉપરાંત તાત્કાલિક અસરથી બસ સ્ટેન્ડ બનાવવાની નિગમે સૂચના આપી છે.

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા લોકોને બસની સેવા મળી રહે તે માટે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના બસ સ્ટેન્ડ ઉપર બસ ઊભી રાખવાનો આદેશ કર્યો છે. પરંતુ અમદાવાદ હિંમતનગર હાઇવે ઉપર આવેલા છાલા ગામના બસ સ્ટેન્ડ ઉપર બસો ઊભી નહીં રાખતા હોવાની ફરિયાદો સ્થાનિક લોકો અને મુસાફરોમાં ઉઠવા પામી હતી.

ઉપરાંત આ મામલે વિદ્યાર્થીઓ, મુસાફરો અને અપડાઉન કરતા કર્મચારીઓ સહિતે એસટી નિગમમાં લેખિત ફરિયાદ કરી હતી. જેના ભાગરૂપે એસટી નિગમ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે છાલા ગામના એસટી સ્ટેન્ડ ઉપર એક્સપ્રેસ તેમજ ગુર્જર નગરી સહિતની તમામ એસટી બસોને ઉભી રાખવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગત વર્ષ 2008ના રોજ રાજ્યભરના કયા કયા બસ સ્ટેન્ડ ઉપર લોકલ, એક્સપ્રેસ, ગુર્જરનગરી સહિતની બસો ઉભી રાખવી તેનો આદેશ કર્યો છે. તેમાં અમદાવાદથી હિંમતનગર હાઇવે ઉપરના છાલા ગામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

એસટી નિગમના આદેશમાં છાલાની કે એમ સર્વોદય હાઇસ્કૂલની બાજુમાં સ્ટોપેજ બનાવવાનું અને બસને ઉભી રાખવાની રહેશે. ઉપરાંત કાનપુરમાં એસ.ટી.બસનુ સ્ટોપેજ રદ કરવાનો પણ આદેશમાં ઉલ્લેખ કર્યો છે. જોકે નિગમ દ્વારા કાનપુર ગામના સ્ટોપેજનો કોઈ આદેશ નહીં હોવા છતાં નિયમો વિરુદ્ધ બસોને ઊભી રાખવામાં આવતી હતી.

અન્ય સમાચારો પણ છે...