આદેશ:રાજ્યના નેત્રહિન દિવ્યાંગ શિક્ષકોને સર્વેક્ષણમાંથી મુક્તિ આપવા આદેશ

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સર્વેક્ષણને લઇ શિક્ષણ વિભાગ અને રાજ્યના પ્રાથમિક શિક્ષકો આમને સામને
  • શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મરજિયાત હોય તો દિવ્યાંગોને મુક્તિ કેમ? તેવા સવાલ

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મરજીયાત હોવા છતાં પણ નેત્રહીન દિવ્યાંગ શિક્ષકો માટે મુક્તિ આપવામાં આવી છે. આથી રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોમાં સવાલ ઉઠવા પામ્યો છે કે સર્વેક્ષણ ફરજિયાત હોય તો પછી મુક્તિ કેમ આપવામાં આવે છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો માટે સર્વેક્ષણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ લઇ શિક્ષણ વિભાગ અને રાજ્યના પ્રાથમિક શિક્ષકો આમને સામને આવી ગયા છે. જેમાં રાજ્ય શિક્ષણ વિભાગ કોઈપણ ભોગે પ્રાથમિક શિક્ષકો માટેનું શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કરવાની તૈયારી છે. જ્યારે બીજી તરફ રાજ્યના પ્રાથમિક શિક્ષકો શિક્ષક સજ્જતા સર્વેક્ષણના બહિષ્કારને લઇ મક્કમ બન્યા છે. જોકે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મરજીયાત હોવાનો પણ આદેશ કર્યો છે.

જ્યારે બીજી તરફ અખિલ ગુજરાત નેત્રહીન શિક્ષક સંઘ દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં નેત્રહીન દિવ્યાંગ શિક્ષકોને મુક્તિ આપવાની માગણી સાથે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી હતી. જેના ભાગરૂપે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નેત્રહીન દિવ્યાંગ શિક્ષકોને શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાંથી મુક્તિ આપવામાં આવી હોવાનો રાજ્ય પરીક્ષા બોર્ડે આદેશ કર્યો છે.

રાજ્યના નેત્રહીન દિવ્યાંગ પ્રાથમિક શિક્ષકોને શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાંથી મુક્તિ આપવાનો આદેશ રાજ્ય પરીક્ષા બોર્ડે કર્યો હોવાથી શિક્ષક વિભાગની બેધારી નીતિ ખુલ્લી પડી હોવાનો આક્ષેપ શિક્ષકોએ કર્યો છે. શિક્ષણ વિભાગ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મરજીયાત હોવાનું આદેશ કરે છે. જ્યારે બીજી તરફ નેત્રહીન દિવ્યાંગ શિક્ષકોને મુક્તિ આપવાનો આદેશ કરે છે. આથી જો શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મરજીયાત હોય તો પછી મુક્તિ આપવાની ફરજ કેમ પડે છે. તેવા પ્રશ્નો શિક્ષકોમાં થયા છે. આ મામલે પ્રાથમિક શિક્ષકોના ગ્રુપમાં ચર્ચાએ જોર પકડ્યું હોવાનું પ્રાથમિક શિક્ષકોએ જણાવ્યું છે.તેથી હાલ આવા આદેશ બાદ ભારે ચર્ચા જાગી છે.અને હવે આ મુદ્દે વિવાદ થાય તેવી શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...