તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:રાષ્ટ્રીય પોષણ માસમાં જ કિચન ગાર્ડન વિકસાવવાની પ્રવૃત્તિ કરવા આદેશ

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવણી સપ્ટેમ્બર માસમાં કરવાની હોવાથી શાળાઓમાં કિચન ગાર્ડન વિકસાવવાનું તંત્રને યાદ આવ્યું છે. હાલમાં વર્ષા ઋતુ ચાલુ હોવાથી શાકભાજીના છોડનું વાવેતર કરીને ઉછેરવાનો રાજ્યભરના તમામ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીઓને આદેશ કર્યો છે.

કુપોષણને નાબુદ કરવા માટે બાળકોને કયા કયા શાકભાજીમાંથી પોષક તત્વો મળી રહે તેની જાણકારી મળે તે માટે શાળાઓમાં કિચન ગાર્ડન યોજના શરૂ કરવામાં આવી હતી.

ઉપરાંત શાળામાં આવતા બાળકોને તે શાકભાજી આપવામાં આવે તેવી યોજનામાં ઉલ્લેખ કરાયો હતો. જોકે કોરોનાની મહામારીને કારણે છેલ્લા દોઢેક વર્ષથી શાળાઓમાં માત્ર શિક્ષકો જ જાય છે. જ્યારે વિદ્યાર્થીઓ માટે ગત વર્ષે ખોલવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ કોરોનાની બીજી લહેર શરૂ થતાં જ શાળાઓને બંધ કરવામાં આવી હતી. આથી કિચન ગાર્ડન યોજનાની જાળવણી નહી રહેતા માત્ર સરકારી કાગળ ઉપર રહેવા પામી હતી. જોકે પ્રાથમિક શાળાઓમાં કિચન ગાર્ડન યોજનાને અંદાજે આઠેક વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી. પરંતુ મરજિયાત હોવાથી ઉપરાંત કિચન ગાર્ડનમાં થતાં શાકભાજીમાંથી વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન બનાવીને બાળકોને ભોજન કરાવવાનો ઉદ્દેશ હતો.

પરંતુ જિલ્લાના તમામ તાલુકાઓની શાળાઓના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન અક્ષયપાત્ર સંસ્થા દ્વારા આપવામાં આવતું હતું. ઉપરાંત અગાઉ કિચન ગાર્ડન અંતર્ગત ગ્રાન્ટ નિયમિત આવતી નહી હોવાનું શિક્ષકોએ જણાવ્યું છે. આથી જોઇએ તેટલો પ્રતિસાદ કિચન ગાર્ડન યોજનાને મળ્યો નહી. જોકે સપ્ટેમ્બર માસને રાષ્ટ્રીય પોષણ માસ તરીકેની ઉજવણી કરવાની હોવાથી શાળાઓમાં કિચન ગાર્ડન વિકસાવવાનું યાદ આવ્યું છે. આથી મધ્યાહન ભોજન યોજનાની કચેરી દ્વારા શાળાઓમાં કિચન ગાર્ડન વિકસાવવાનો આદેશ કર્યો છે. જે અંતર્ગત હાલમાં વર્ષા ઋતુની સીઝન હોવાથી શાળામાં કિચન ગાર્ડન વિકસાવીને તેમાં રીંગણ, ટામેટા, દૂધી, મરચાં, ધાણા, સરગવો, લીંબુ, જામફળ જેવા દિર્ઘઆયુ રોપાઓનું વાવેતર કરીને તેની કાળજીપૂર્વક ઉછેર કરવાનો આદેશ કર્યો છે. જોકે કિચન ગાર્ડન માટે જિલ્લા બાગાયત કચેરીની મદદ લેવાનો પણ આદેશમાં ઉલ્લેખ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...