કોરોનાકાળના ઓનલાઇન શિક્ષણથી વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક કચાશને દુર કરવા સમયદાન જેવી કામગીરી પ્રાથમિક શિક્ષકોની પાસે કરાવવામાં આવે છે. ત્યારે તેવા સમયે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષાની કામગીરી માટે પ્રાથમિક શિક્ષકોને ફાળવવાનો આદેશ કરવામાં આવતા શિક્ષક આલમમાં ચર્ચાએ જોર પકડ્યું છે.
કોરોનાની મહામારીને કારણે સતત બે વર્ષ સુધી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓેએ ઓનલાઇન શિક્ષણ મેળવ્યું છે. જેને પરિણામે ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓમાં વાંચન, ગણન અને લેખનમાં કચાશ જોવા મળી રહી છે. આથી વિદ્યાર્થીઓમાં જોવા મળતી શૈક્ષણિક કચાશને દુર કરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સમયદાન જેવા કાર્યક્રમો યોજીને શાળા સમય સિવાય એક કલાક સવાર અને સાંજે વધુ ભણાવવા માટે પ્રાથમિક શિક્ષકોને આદેશ કરવામાં આવ્યો છે. જેને પરિણામે રાજ્યના અનેક જિલ્લાઓમાં હાલમાં પ્રાથમિક શિક્ષકો સમયદાન આપી રહ્યા છે.
ઉપરાંત હાલમાં વાર્ષિક અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો સમયગાળો છે. ત્યારે આવા સમયમાં રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષામાં પ્રાથમિક શિક્ષકોને ફાળવવાનો આદેશ કરવામાં આવતા શિક્ષક આલમમાં ચર્ચા ઉઠવા પામી છે. શિક્ષણ વિભાગે કરેલા આદેશમાં ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ગોપનીયતા જળવાઇ રહે તેમજ સુચારૂ આયોજન માટે સરકારી પ્રતિનિધિ તથા ખંડ નિરીક્ષકની અગત્યની કામગીરી માટે જરૂરીયાત મુજબ પ્રાથમિક શાળાના પ્રામાણિક, નિષ્ઠાવાન આચાર્ય તથા શિક્ષકો ફાળવવાનો આદેશ કર્યો છે.
પરંતુ તેની સાથે સાથે રાજ્યભરના તમામ પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને શાસનાધિકારીઓને આપની કક્ષાએથી તાત્કાલિક જરૂરી નિયમોનુસારની કાર્યવાહી કરવાનો પણ ઉલ્લેખ આદેશમાં કરવામાં આવ્યો છે. આથી આચાર્યો અને શિક્ષકોને ધોરણ-10 અને 12ની પરીક્ષાની કામગીરી માટે ફાળવવા કે પછી નહી તેવી અવઢવની સ્થિતિમાં આવી ગયા હોવાની ચર્ચા પણ શિક્ષક આલમમાં ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.