‘તાઉ-તે’ વાવાઝોડું સોમવારે ગુજરાતના કાંઠે આશરે 175 કિ.મી.ની ઝડપે ટકરાશે, એને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરીને બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે. આ દરમિયાન કાંઠા વિસ્તારના મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે રાજ્યના 15 જિલ્લામાં 70થી 175 કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાશે.
વાવાઝોડું 600 કિલોમીટર દૂર
આ દરમિયાન વાવાઝોડાની અગમચેતી રૂપે તૈયારીની સમીક્ષા કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વીડિયો-કોન્ફરન્સ કરી હતી. રાજ્યમાં સ્થિતિ બેકાબૂ ના થાય એ માટે સરકારે આર્મી, નૌસેના અને વાયુસેનાને પણ સ્ટેન્ડુ ટુ રહેવાનો નિર્દેશ આપ્યો છે. છે. આ સમીક્ષા બેઠક પછી મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કહ્યું હતું કે વાવાઝોડું દક્ષિણ ગુજરાતથી વેરાવળ તરફ 600 કિ.મી. દૂર છે, જે 17મીએ ગુજરાતના દરિયાકિનારે આવશે અને 18મીએ પોરબંદરથી લઈને ભાવનગરના મહુવાને ક્રોસ કરશે.
પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના
આ દરમિયાન રાજ્ય સરકારે દોઢ લાખથી વધુ નાગરિકોને કોવિડ પ્રોટોકોલ પ્રમાણે સલામત સ્થળે ખસેડવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત સંભવિત બચાવકાર્ય માટે દરિયાકિનારાના જિલ્લામાં 44 NDRF અને 6 SDRFની ટીમ ઉપરાંત એસઆરપી, પોલીસ, હોમગાર્ડને પણ તહેનાત કરાયા છે. માછીમારોને પણ પાંચ દિવસ દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે.
18મીએ 17 શહેર-જિલ્લામાં તેજ પવન ફૂંકાશે
‘તાઉ-તે’ વાવાઝોડાને પગલે 17મીએ સૌરાષ્ટ્ર,કચ્છ, દીવ અને ગુજરાતના વિવિધ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 17 અને 18 મેએ અમદાવાદ, પોરબંદર, ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, આણંદ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી અને ખેડામાં પણ તેજ પવન ફૂંકાશે.
ક્યાંથી સ્થળાંતર, કેટલી ટીમ : 50 એનડીઆરએફ-એસડીઆરએફની ટીમ
રવિવારે બપોર સુધી દક્ષિણ અમદાવાદ, અમરેલી, આણંદ, કચ્છ, ભરૂચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, નવસારી પોરબંદર, સુરત, વલસાડ અને બોટાદ સહિત કુલ 17 જિલ્લામાં 15 હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા છે. રવિવારે રાત સુધીમાં દોઢ લાખ લોકોને સલામત સ્થળે ખસેડાશે. બચાવકાર્ય માટે NDRFની 44 ટીમને જવાબદારી સોંપાઈ છે, જ્યારે SDRFની પણ છ ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે.
યુદ્ધના ધોરણે તૈયારીઓ
રાજ્યમાં બે દિવસ વેક્સિનેશન ટળ્યું, કોરોના દર્દીઓને સલામત સ્થળે ખસેડાયા
વાવાઝોડાને કારણે બે દિવસે એટલે કે 17મી અને 18મીએ વેક્સિનેશન બંધ રહેશે. કોવિડ-19ની સારવાર લેતા દર્દીઓને ઓક્સિજન, વીજપુરવઠો નહીં ખોરવાય અને સ્થળાંતર કરવા માટે 85 આઇસીયુ વેન ગોઠવવામાં આવી છે.
વાવાઝોડાનો વ્યાપ 35 કિમી, ગુજરાત તરફ 16 કિ.મી.ની ઝડપે આવી રહ્યું છે
વાવાઝોડાના કેન્દ્રનો ઘેરાવો 30થી 35 કિ.મી. છે. અહીં વાદળો પણ નથી કે ભારે પવન પણ નથી ફૂૂંકાઈ રહ્યો, જ્યારે ઘેરાવામાં સૌથી તેજ અંદાજે 150 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જમીન સાથે વાવાઝોડું ટકરાતી વખતે પવનની ગતિ 100-120 કિ.મી. થવાનો અંદાજ છે અને એ ‘અતિભીષણ’માંથી ‘ભીષણ’ની કેટેગરીમાં ફેરવાઈ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.