એઆઇએમઆઈએમના નેતા અને હૈદરાબાદના સાસંદ અસદુદ્દીન ઓવૈસીએ અમદાવાદમાં ઇદના અનુસંધાને યોજાયેલા ઇદ મિલાપ કાર્યક્રમમાં બોલતાં કહ્યું કે ઉત્તરપ્રદેશના વિપક્ષો જ્ઞાનવાપી મસ્જિદના વીડિયો સરવે પર મૌન સાધીને કેમ બેઠા છે. આ અંગે જાતે જ કારણ રજૂ કરતાં તેમણે કહ્યું કે મુસ્લિમો ઉત્તરપ્રદેશના વિપક્ષો કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની વોટબેંક નથી તેથી તેઓ કાંઇ બોલતા નથી.
આ જ મંચ પરથી ઓવૈસીએ વધુમાં જણાવ્યું કે, મુસ્લિમો પાસેથી એક બાબરી મસ્જિદ જતી રહી છે, હવે અમે બીજી મસ્જિદ જવા નહીં દઇએ, તેઓએ બાબરી મસ્જિદ આપણી પાસેથી ન્યાયની હત્યા કરીને લઈ લીધી હતી, પણ યાદ રાખજો. હવે તમે અમારી બીજી મસ્જિદ લઈ નહીં જઇ શકો. આ સંદર્ભે ઓવૈસીએ તેમ પણ કહ્યું કે બંધારણમાં અપાયેલા હક અનુસાર મુસ્લિમોને તેમની સંસ્કૃતિ પાળવાનો અધિકાર છે. 1991માં નરસિંહારાવ સરકારે પસાર કરેલાં ધર્મસ્થળ કાયદા અનુસાર 15 ઓગસ્ટ, 1947ના દિવસે ભારતમાં જે ધર્મસ્થળ જે ધર્મ સાથે સંકળાયેલું હોય તેને બદલવામાં આવશે નહીં. તેથી જ્ઞાનવાપી મસ્જિદ હતી અને રહેશે જ.
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે, ઇદ મિલાપનો આ કાર્યક્રમ એઆઈએમઆઈએમ અને ભાજપના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો અને તેમાં મુસ્લિમ ધર્મગુરુઓને આ ગંદા રાજકારણનો ભોગ બનાવાયા હતા. આ કાર્યક્રમમાં ભીડ દર્શાવવા મદરેસાનાં બાળકોને ભેગા કરાયા હતા. મુસ્લિમોએ કરેલા દાનથી ભેગાં થયેલાં ભંડોળનો ઉપયોગ આ કાર્યક્રમમાં રાજકીય હેતુ માટે કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.