માંગણી:જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે સંયુક્ત કર્મચારી મોરચાનો વિરોધ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકો, આરોગ્ય, પંચાયત, તલાટી સહિતના કર્મીઓએ વિરોધ કાર્યક્રમ રજૂ કર્યા

જુની પેન્શન યોજના લાગુ કરવા સહિતના મુદ્દે સંયુક્ત કર્મચારી મોરચાએ વિરોધ વ્યક્ત કરીને તાલુકાવાર ધારાસભ્યોને આવેદનપત્ર આપ્યું હતું. તેમાં શિક્ષકો, પંચાયત કર્મચારીઓ, આરોગ્ય, અધ્યાપકો, તલાટી સહિતના કર્મચારીઓ જોડાયા હતા.

નવી પેન્શન યોજના લાગુ કરીને સરકારી કર્મચારીઓના નિવૃત્તિ જીવનને લાચાર અને વિવશ બનાવી દીધું છે. ત્યારે નવી પેન્શન યોજનાને રદ કરીને જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ રાજ્યના તમામ સરકારી કર્મચારીઓમાં ઉઠી છે. જેને પરિણામે કર્મચારીઓએ સંયુક્ત મોરચો રચીને જુની પેન્શન યોજનાની માંગણી બુલંદ કરી છે. તેમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજંયતિના દિવસે બંધારણ પેન્શન અધિકારી દિવસ તરીકે ઉજવણી કરીને સંયુક્ત કર્મચારી મોરચાએ નવી પેન્શન યોજનાને રદ કરવાની માંગણી કરી હતી. કર્મચારીઓની માંગણીઓમાં ફિક્સ પગારી અને કરાર આધારીત કર્મચારીઓની ભરતીની પ્રથા બંધ કરીને પુરા પગારી ભરતી કરવાની માંગણી કરી છે.

ઉપરાંત સરકારી કર્મચારીઓએ નવી પેન્શન યોજનાના ગેરલાભ ગણાવ્યા હતા. તેમાં નિવૃત્તિ સમયે મળનારી રકમ નક્કી હોતી નથી. નિવૃત્તિ બાદ ડિપોઝીટ રકમનું નહીંવત વ્યાજ (પેન્શન), કુટુંબ પેન્શન નહી હોવાથી કર્મચારીના મૃત્યુ પછી પતિ કે પત્નીની પરિસ્થિતિ દયનીય બની રહે છે.

મેડિકલ એલાઉન્સ કે મેડિકલ બીલની કોઇ જ જોગવાઇ નથી. શેરબજાર આધારીત હોવાથી મૂડી, વળતર, વધ-ઘટ થઇ શકે. આકસ્મિક સંજોગોમાં બચતની જરૂરીયાત હોય તો ઘણી તકલીફ બાદ નાણાં પરત મળતા હોવાથી નવી પેન્શન યોજના રદ કરીને જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી કર્મચારીઓએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...