ગાંધીનગર મ્યુનિસિપલ તંત્ર દ્વારા નગરજનોને સ્માર્ટ સુવિધાઓ આપવા માટે આડેધડ ખોદકામ કરીને ગાંધીનગરની કાયાપલટ કરી દઈ ખાડા નગર બનાવી દેવાની સાથો સાથ પ્રિ મોન્સૂન કામગીરી કરવાની જગ્યાએ મેયર - ચેરમેન ઉદ્ઘાટન તેમજ પાર્ટી કાર્યક્રમોમાં વ્યસ્ત રહેતા હોવાનો કોંગ્રેસના વિપક્ષ નેતાએ આક્ષેપો કર્યો હતો. મનપાના વિપક્ષી નેતા અંકિત બારોટ દ્વારા આક્ષેપો કરીને મ્યુનિસિપલ કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
ગાંધીનગરમાં છેલ્લા ઘણાં મહિનાઓથી નગરજનોને સ્માર્ટ સુવિધાઓ આપવા માટે કોર્પોરેશન તંત્ર દ્વારા ઠેર-ઠેર ખાડાઓ ખોદીને શહેરની સિક્વલ બદલી નાખવામાં આવી હોવાનો કોર્પોરેટર અંકિત બારોટે આક્ષેપ કરીને મ્યુનિસિપલ કમિશ્નર ડો. ધવલ પટેલને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. જેમાં રજૂઆત કરાઈ છે કે, ગાંધીનગરની પ્રજા હજી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. પાણી, ગટર અને સારા રસ્તાના નામે વોટ લઈ સત્તાના શિખર પર બેઠેલા પદાધિકારીઓ પોતાની નૈતિક ફરજ ભૂલી ગયા છે.
ગાંધીનગરમાં મોટભાગના વિસ્તારોમાં આડેધડ વિકાસના નામે ખોદકામ ચાલી રહ્યું છે. જે હજી સુધી પૂર્ણ કરવામાં આવ્યું નથી અને જે કામો ચાલે છે એ પણ નિમ્નકક્ષાનું છે. પાણીની લાઈન, ગટર લાઈન, રસ્તા કે દિવાલનું કામો હોય દરેક કામમાં ભ્રષ્ટાચારના લીધે યોગ્ય કામગીરી થઈ નથી.
આ ઉપરાંત સેક્ટરોમાં બનાવેલા રોડની કામગીરીમાં પણ યોગ્ય લેવલ કરાયું નથી. તેમજ સુરક્ષા દીવાલના લીધે પણ પાણીના નિકાલની કોઈ જોગવાઈ કરી નથી. હવે નજીકના દિવસોમાં વરસાદ પડતા દરેક આંતરિક માર્ગમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાવાની છે. રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે. ત્યારે જો તંત્ર વરસાદ પહેલાં કોઈ કામગીરી નહીં કરે તો ચોમસામાં નગરજનો હેરાન થશે.
વધુમાં અંકિત બારોટે ઉમેર્યું હતું કે, મેયર-ચેરમેનને માત્ર ફોટો પડાવવામાં અને ભાજપના કાર્યક્રમોમાં મસ્ત રહે છે. આથી પ્રજાને પડતી મુશ્કેલી સંદર્ભે શહેરમાં મેયર અને ચેરમેનના ફોન નંબરને હેલ્પલાઈન નંબર તરીકે જાહેર કરીને બેનર્સ લગાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આથી કોઈપણ નાગરિક પોતાની સમસ્યા અંગે મેયર-ચેરમેન નો સીધો સંપર્ક કરીને પોતાની રજૂઆત કરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.