તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલીઓ ધ્યાન આપો:નવા શૈક્ષણિક સત્રથી 4 વર્ષ પૂરાં થયાં હોય તેવાં બાળકોને જ જુનિયર કે.જી.માં પ્રવેશ મળશે

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરકાર 2023-24માં 1 જૂને 6 વર્ષ પૂરાં ન કરનાર બાળકને પહેલા ધોરણમાં પ્રવેશ નહીં આપે

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષે જુનિયર કે.જી.માં પ્રવેશ માટે વાલીઓને ખાસ ધ્યાન રાખવાનું રહેશે. 2021-22ના શૈક્ષણિક વર્ષમાં જુનિયર કે.જી.માં પ્રવેશ માટે જે બાળકને 4 વર્ષ પૂર્ણ થયાં હોય તેમને જ પ્રવેશ આપવાનો રહેશે. શિક્ષણ વિભાગે ધોરણ-1માં પ્રવેશ માટેની ઉંમરમાં ફેરફાર કરતાં અત્યારથી જ એની અસર વર્તાશે. બાળક ચાર વર્ષ કરતાં નાનું હશે અને તેને નવા સત્રમાં જુનિયર કે.જી.માં પ્રવેશ આપવામાં આવશે તો બે વર્ષ પછી તે બાળક ધોરણ 1માં આવશે ત્યારે તેની ઉંમર 6 વર્ષ પૂર્ણ થઈ ન હોવાથી તેને પ્રવેશ મળશે નહીં.

1 જૂને બાળકે 6 વર્ષ પૂરાં કરેલાં હોવા ફરજિયાત
સરકારે 2023-24ના શૈક્ષણિક વર્ષથી ધોરણ1માં પ્રવેશની ઉંમર 6 વર્ષ કરી છે, પરંતુ એ માટે વાલીઓએ અત્યારથી જ સાવચેત રહેવું પડશે. રાજ્યમાં હાલમાં 1 જૂને 5 વર્ષ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને ધોરણ 1માં પ્રવેશ આપવાની જોગવાઈ અમલી છે. ચાલુ વર્ષે સત્રની શરૂઆત બાદ તરત જ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડી ધોરણ1માં પ્રવેશ માટેની ઉંમરના નિયમમાં ફેરફાર કર્યો હતો, જે મુજબ હવે ધોરણ 1માં પ્રવેશ માટે 1 જૂને બાળકે 6 વર્ષ પૂરાં કરેલાં હોવા ફરજિયાત છે, પરંતુ આ પરિપત્રનો ચાલુ વર્ષથી જ અમલ કરવામાં આવે તો અનેક પ્રશ્નો ઊભા થઈ શકે તેમ હોવાથી શિક્ષણ વિભાગે 2023-24ના શૈક્ષણિક વર્ષથી આ નિયમનો અમલ કરાશે, એવું જણાવ્યું હતું. આ પહેલાંનાં ત્રણ વર્ષ પ્રવેશની ઉંમર 5 વર્ષ જ રાખવામાં આવી છે.

વાલીઓએ હવે ખાસ તકેદારી રાખવી પડશે
સરકારના આ પરિપત્ર બાદ પણ વાલીઓમાં તેની સમજણ ના હોવાથી તેઓ પોતાનાં બાળકોને નાની ઉંમરે પ્રવેશ અપાવી રહ્યા છે. હાલમાં વાલીઓને આ બાબતની કોઈ અસર વર્તાશે નહીં, પરંતુ જ્યારે તેમનું બાળક ધોરણ 1માં આવશે અને એ વખતે તેની ઉંમર 6 વર્ષની નહીં હોય તો તેનું વર્ષ બગડશે, જેથી શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ધોરણ 1માં પ્રવેશ માટે 6 વર્ષના નિયમનો અમલ 2023-24થી કરવામાં આવશે, જેથી નવા શૈક્ષણિક વર્ષમાં જુનિયર કે.જી.માં પ્રવેશ લેતા બાળકોના વાલીઓએ ખાસ તકેદારી રાખવી પડશે.

અન્ય સમાચારો પણ છે...