કોરોનાની બીજી લહેર પછી પ્રથમ વખત સતત દસ દિવસ સુધી સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં એકપણ પોઝિટિવ દર્દી નથી. કોરોનાની બીજી લહેરમાં હાઉસફુલ રહેતી સિવિલનો કોરોના વોર્ડ હાલમાં ખાલીખમ જોવા મળી રહ્યો છે. છેલ્લા દોઢેક વર્ષથી ત્રાહિમામ કરનારી કોરોનાની પ્રથમ લહેર કરતા બીજી લહેરમાં લોકોને મોતનું તાંડવ જોવા મળ્યું હતું.
બીજી લહેર પછી કોરોનાનું સંક્રમણ લોકડાઉન થઈ ગયું હોય તેમ છેલ્લા દોઢેક માસથી નોંધાઈ રહેલા કોરોનાના કેસ પરથી લાગી રહ્યું છે. બીજી લહેરમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હાઉસફુલની સ્થિતિ ઊભી થઇ હતી. પરિણામે દર્દીઓને દાખલ કરવા માટે તબીબો અને સિવિલ હોસ્પિટલના સંચાલકો વામણા બની ગયા હતા.બીજી લહેરના દોઢેક માસ પછી સતત દસ દિવસ સુધી ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં એક પણ દર્દી દાખલ થયો નથી. જે કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલાની એક સારી સ્થિતિનો ચિતાર રજૂ કરે છે.
5449 વ્યક્તિઓએ બંને ડોઝ લીધાં
મનપા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી બુધવારે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નહીં. જ્યારે જિલ્લાની 5449 વ્યક્તિઓએ કોરોનાની રસીનો પ્રથમ તેમજ બીજો ડોઝ લીધો હતો. જેમાં મનપા વિસ્તારમાંથી 454 વ્યક્તિઓએ રસી લીધી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી 4885 વ્યક્તિઓએ રસી લીધી હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રે જણાવ્યું છે.
જુલાઈ અને ઓગસ્ટ માસમાં માત્ર 28 કેસ
જુલાઈ 2021 માસના કુલ-31 દિવસમાં કોરોનાના માત્ર 27 કેસ નોંધાયા છે. જ્યારે ચાલુ ઓગસ્ટના 11 દિવસમાં માત્ર એક જ કેસ નોંધાયો છે.
3 સપ્તાહથી 15000 ટેસ્ટમાં 3 જ પોઝિટિવ કેસ
ગાંધીનગર મેડીકલ કોલેજના માઈક્રોબાયોલોજી લેબના માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ 3 સપ્તાહમાં કુલ 15 હજાર આરટીપીસીઆર ટેસ્ટ કરાયા છે. જેમાંથી માત્ર 3 જ પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લાના ગ્રામ્ય-શહેરી વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ઠપ્પ થઈ ગયું હોય તેમ લાગે છે.
સાવચેતીથી ત્રીજી લહેરને ખાળી શકાશે
લોકો સ્વયંભૂ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા લાગ્યા છે. ગત જુલાઇ માસમાં 14 દિવસ સુધી કોરોનાનું એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે ચાલુ ઓગસ્ટ માસમાં 11 દિવસમાં માત્ર બે દિવસ કોરોનાના બે કેસ નોંધાયા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.