• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • One Year After The Court Marriage, The Wife Found Out That The Husband Was Married, But After Four Settlements, The Husband Pushed His Wife From The First Floor.

ચાર વર્ષના લગ્ન જીવનમાં ચાર ફરિયાદ:કોર્ટ મેરેજના એક વર્ષ પછી પત્નીને ખબર પડી કે પતિ તો પરિણીત છે, ચાર વાર સમાધાન થયા બાદ પણ પતિએ પહેલાં માળેથી પત્નીને ધક્કો માર્યો

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિના કરતૂતની ફરિયાદ કરતાં સસરા -માસીબાએ ખરાબ વર્તન કરી પરિણીતાને કાઢી મૂકી

અમદાવાદના નરોડામાં રહેતી યુવતી સાથે ગાંધીનગર મોટા ચીલોડામાં રહેતાં યુવકે અગાઉથી પરિણીત હોવાની બાબતે અંધારામાં રાખી કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. જોકે, એક વર્ષ પછી પતિનો ભાંડો ફૂટી ગયો હતો. ત્યારે ઘર સંસાર બચાવવા ચાર ચાર વખત સમાધાન કરનાર પત્નીને પતિએ પૈસાની માંગણી કરી પહેલા માળેથી ધક્કો મારી દેતા તેની કમર અને હાથે ગંભીર ઈજાઓ થઈ હતી. તો પતિના કરતૂતની ફરિયાદ કરતાં સસરા-માસીબાએ પણ તેની સાથે અણછાજતું વર્તન કરી ઘરમાંથી કાઢી મૂકતા વધુ એક વખત પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.

અમદાવાદના નરોડા ખાતે રહેતી 38 વર્ષીય ભાવના(નામ બદલ્યું છે)એ હાલ મોટા ચીલોડા ગોકુલધામ ફ્લેટમાં રહેતાં રાકેશ ભીમસિંહ બીહોલા સાથે 21મી એપ્રિલ 2018નાં રોજ ઘી કાંટા કોર્ટમાં લગ્ન કર્યા હતા. જે બાદ ભાવના પતિ રાકેશ સાથે નિકોલ અરિહંત સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેવા લાગી હતી. જોકે, એક વર્ષ પછી પતિ પરિણીત હોવાની જાણ થતાં ભાવનાનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

જે બાબતે ભાવનાએ વર્ષ - 2019માં નિકોલ પોલીસ મથકમાં રાકેશ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. એ સમયે વડીલોની દરમિયાનગીરીથી દંપતી વચ્ચે સમાધાન થયું હતું. જેથી બન્ને પાછા નરોડા રહેવાં માટે ગયાં હતાં, પરંતુ રાકેશ શારીરિક માનસિક ત્રાસ આપતો રહેતો હોવાથી ફરીવાર વર્ષ-2020 માં ભાવનાએ દહેજ પ્રતિબંધિત ધારા હેઠળ નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બંને કેસો કોર્ટમાં પેન્ડીંગ છે.

એટલે ફરી પાછા ઘરના વડીલોની સમજાવટથી ભાવનાએ 13મી માર્ચ 2020નાં રોજ અમદાવાદ કોર્ટમાં વધુ એક વાર સ્ટેમ્પ પર લખાણ કરી પતિ સાથે સમાધાન કરી લીધું હતું. બાદમાં બંને જણાં મોટા ચીલોડા ગોકુલધામ ફ્લેટ ખાતે રહેવા લાગ્યા હતા, પરંતુ થોડા સમયમાં જ રાકેશ ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ હતું. જેથી દંપતી વચ્ચે ફરીવાર કંકાસ વધવા લાગ્યો હતો.

બાદમાં 5મી ઓગસ્ટના 2021નાં રોજ રાકેશે તો હદ વટાવી દઈને પૈસાની માંગણી કરી ભાવનાને પહેલા માળેથી ધક્કો મારી દીધો હતો. જેનાં કારણે ભાવનાને કમ્મર અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ વખતે સસરા ભીમસિંહ અને માસીબા કિશોરબા નટવરસિંહ બીહોલા દોડી આવ્યા હતા અને ફરિયાદ નહીં કરવાં ભાવનાને સમજાવી હતી. એટલે ભાવનાએ ફરિયાદ કરવાનું માંડી વાળ્યું હતું. તેમ છતાં રાકેશ ભાવના સાથે મારઝૂડ કરતો હતો.

ત્યારબાદ 26મી ડિસેમ્બરના રોજ ભાવના પથીકાશ્રમ ડેપો ખાતે એક્ટિવા લઈ ગઈ હતી. રાકેશે જાહેરમાં ત્યાં જ તેને માર માર્યો હતો. બીજી જાન્યુઆરી 2022ના રોજ પણ એક્ટિવા લેવા માટે સાથે આવીને ભાવનાને રાકેશે ફરીવાર માર માર્યો હતો. જે બાબતે ફરીવાર ભાવનાએ સેકટર-7 પોલીસ મથકમાં ફરિયાદ આપી આપી હતી.

જે અંગે સસરા અને માસીબાને પણ રાકેશનાં કરતૂતની ફરિયાદ કરતાં તેઓએ પણ ભાવના સાથે અણછાજતું વર્તન કરી કાઢી મુકી હતી અને રાકેશે પણ જાન થી મારી નાખવાની ધમકીઓ આપી 'તું તારા માતા પિતાના ઘરે જઈશ તો ત્યાં પણ હેરાન કરીશ' તેમ કહી માર માર્યો હતો. ચાર વર્ષના લગ્ન જીવનમાં મોટાભાગે પોલીસ ફરિયાદમાં જીવન ગાળનાર ભાવનાએ આખરે વધુ એકવાર ચીલોડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...