વીજળી વેરી બની:ગાંધીનગરના ઉવારસદ કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં ઝાડ પર વીજળી પડતા એક મહિલાનું મોત, 6 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદથી બચવા વર્ગ - 4 ના કર્મચારીઓ ઘુમ્મટ નીચે ઉભા હતા, વીજળી પડતાં ઝાડ ઘુમ્મટ પર પડ્યુંને તમામ દબાઈ ગયા

ગાંધીનગરનાં ઉવારસદ કર્ણાવતી ડેન્ટલ કોલેજના કેમ્પસમાં આવેલા ઝાડ ઉપર આજે વીજળી પડી હતી. આ દરમ્યાન વરસાદથી બચવા કેમ્પસનાં ઘુમ્મટ નીચે ઉભેલા વર્ગ ચારના સાતેક કર્મચારીઓ ઉભા હતા. ત્યારે વીજળી પડવાથી ઝાડ ઘુમ્મટના ઉપર ધરાશયી થતાં તમામ નીચે દટાઈ ગયા હતા. જેનાં કારણે એક મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે પાંચ મહિલા અને એક પુરુષને નાનીમોટી ઈજાઓ થતાં ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કોલેજમાં કર્મચારીઓ પણ રાબેતા મુજબ સાફ સફાઈનું કામ કરતા હતા
ગાંધીનગરનાં ઉવારસદ કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં આજે નિત્યક્રમ મુજબ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે અહીં કોલેજમાં વર્ગ ચારના કર્મચારીઓ પણ રાબેતા મુજબ સાફ સફાઈની કામગીરી અર્થે આવ્યા હતા. અને સાંજે પાંચ વાગ્યાના અરસામાં છૂટવાના હતા. દિવસ દરમ્યાન સાફ સફાઈનું કામકાજ ચાલી રહ્યું હતું.

અચાનક વરસાદ શરૂ થતાં કર્મચારીઓ કેમ્પસમાં આવેલા ઘુમ્મટ નીચે જઈને ઉભા રહ્યા
આ દરમ્યાન બપોર પછી અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અને વિઝિબીલીટી પણ ઘટી ગઈ હતી. ત્યારે અત્રે કામ કરતા વર્ગ ચારના કર્મચારીઓ અચાનક વરસાદ શરૂ થતાં કેમ્પસમાં આવેલા ઘુમ્મટ નીચે જઈને ઉભા રહ્યા હતા. જો કે જોતજોતામાં વીજળીના કડાકા ભડાકા સાથે વાદળોની ગર્જના વચ્ચે વરસાદે ધબધબાટી બોલાવી દીધી હતી.

વિશાળ ઝાડ ઘુમ્મટ ઉપર ધરાશાયી થતાં કર્મચારીઓ દટાઈ ગયા
ત્યારે અચાનક ઘુમ્મટની પાસે આવેલા વિશાળ ઝાડ ઉપર વીજળી પડી હતી. જેનાં કારણે ઘુમ્મટ નીચે ઉભેલા કર્મચારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. અને જોતજોતામાં વિશાળ ઝાડ ઘુમ્મટ ઉપર ધરાશાયી થઈને પડયું હતું. જેનાં કારણે ઘુમ્મટ નીચે ઉભેલા કર્મચારીઓ દટાઈ ગયા હતા. આ બનાવના પગલે કર્ણાવતી ડેન્ટલ કોલેજના અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા.

પુદ્રાસણની આશરે 50 વર્ષીય સવિતાબેન ઠાકોરનું મોત નીપજ્યું
બાદમાં ભારે જહેમત બાદ છ મહિલા અને એક પુરુષ કર્મચારીને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગરની ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડયા હતા. જે પૈકી પુદ્રાસણની આશરે 50 વર્ષીય સવિતાબેન જયંતિભાઈ ઠાકોરને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે અડાલજ પોલીસ મથકના જમાદાર નિલેશભાઈ જણાવ્યું હતું કે ઝાડ ઉપર વીજળી પડી હતી. અને ઝાડ ઘુમ્મટ ઉપર ધરાશાયી થયું હતું. આ ઘટનામાં સવિતાબેનનું મૃત્યુ થયું છે. જ્યારે પાંચ મહિલા અને એક પુરુષ કર્મચારીને નાની મોટી ઈજાઓ થવાથી દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં મૃતકના પોસ્ટ મોર્ટમ સહીતની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...