કરૂણ મોત:ગાંધીનગરના ભાઈજીપુરા પાસે ટાયર ફાટતાં એક્ટિવા સવાર બે મિત્રો પૈકી એકનું કરૂણ મોત નીપજ્યું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિક પોલીસે ગઈકાલે બન્નેને સારવાર અર્થે ખસેડયા હતા
  • બન્ને મિત્રો ટાયર ખરીદવા ચાંદખેડાથી ગાંધીનગર આવતા હતા

અમદાવાદના ચાંદખેડાથી ટાયર ખરીદવા માટે ગઈકાલે બપોરે ગાંધીનગર જઈ રહેલા એક્ટિવા સવાર બે મિત્રો ભાઈજીપૂરા નજીક એક્ટિવાનું ટાયર ફાટી જવાથી ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે પૈકી એક મિત્રનું ગંભીર ઈજાઓ થવાની મોત નિપજતા ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના ચાંદખેડા સ્વાગત બંગલોમાં રહેતા મૂળ ઉત્તરાખંડના 45 વર્ષીય પ્રવિણભાઈ દેવાનંદ શર્મા ના પરિવારમાં પત્ની રેખાબેન તેમજ આઠ વર્ષીય પુત્ર તેમજ માતા અનિતાબેન છે. ઓએનજીસી માં ફરજ બજાવતા પ્રવિણભાઈની નોકરી કોરોનાના કારણે છૂટી ગઈ હોવાથી છેલ્લા ઘણા સમયથી તેઓ કામની શોધમાં હતા.

એવામાં ગઈકાલે બપોરના સમયે પ્રવિણભાઈ શર્મા તેમના મિત્ર રાકેશભાઈ લક્ષ્મણભાઈ રાજપૂત (રહે. ભગવતી સોસાયટી, જનતા નગર, ચાંદખેડા) સાથે ટાયર ખરીદવા માટે એક્ટિવા લઈને ગાંધીનગર આવી રહ્યા હતા. તે અરસામાં ભાઈજીપૂરા પાટીયા પાસેથી પસાર થતી વખતે એક્ટિવાનું ટાયર ફાટી ગયું હતું. જેનાં કારણે એક્ટિવા પરથી કાબુ ગુમાવી દેતા બંને મિત્રો રોડ પર પટકાયા હતા. જેમને શરીરે અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત સર્જાતા રાહદારી વાહન ચાલકો મોટી સંખ્યામાં એકઠા થઇ જતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. જેની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

બાદમાં તાત્કાલિક બંને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. જ્યારે સિવિલમાં બન્ને મિત્રોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રવિણભાઈ શર્માનું મોત થયું હતું. અને રાકેશભાઈને દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે ઈન્ફોસિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...