માણસા તાલુકાના લીમ્બોદરા પાટીયા નજીક મારુતિવાન અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કડાંથી દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા એક્ટિવા સવાર ત્રણ મિત્રો પૈકી એકનું સારવાર દરમિયાન મોત નિપજતા માણસા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના લેકાવાડા વણઝારા વાસમાં રહેતાં મારસંગ જેણાજી ઠાકોરના ચાર સંતાનો પૈકી 18 વર્ષીય પુત્ર ભાવેશ ગઈકાલે પૂનમ નિમિત્તે કડા માતાજીના મંદિરે દર્શન કરવા માટે તેના ગામના મિત્રો સુનીલજી પ્રતાપજી ઠાકોર તથા અમરતજી પ્રતાપ ઠાકોર સાથે બપોરે એક્ટિવા લઈને નિકળ્યો હતો. અને મંદિરે દર્શન કરીને સાંજના ત્રણેય જણાં પરત ઘરે આવી રહ્યા હતા.
તે વખતે એક્ટિવા સુનીલ ચલાવતો હતો. ત્યારે લીંબોદરા પાટીયા નજીક પહોંચતા એક મારુતીવાનના ચાલકે તેની વાન બાલવા થી માણસા જતા રોડ ઉપર લીંબોદરા પાટીયા પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈકને અથડાવી દીધી હતી. જેનાં કારણે એક્ટિવા ઉપરથી ત્રણેય જણાં રોડ ઉપર પટકાયા હતા.
આ અકસ્માતના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જ્યારે ત્રણેય મિત્રોને ઈજાગ્રસ્ત હાલતમાં વાનનો ચાલક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈને ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબે ત્રણેયની પ્રાથમીક કરી હતી. જો કે સુનીલને માથામાં અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.