વીજ થાંભલા યમદૂત બન્યા:ગાંધીનગરના સેકટર-30માં વીજ કરંટ લાગવાથી વધુ એક ગાય મોતને ભેટી, થોડા દિવસ અગાઉ પણ બે ગાયનાં મોત થયા હતા

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ મકાન વિભાગની અણઘડ કામગીરીના કારણે શહેરના વીજ થાંભલા યમદૂત સમાન બન્યા

ગાંધીનગરના સેકટર 30 ઇન્કવાયરી પાસે હજી થોડા દિવસ અગાઉ જ ત્રણ ગાયોને વીજ થાંભલાનો કરંટ લાગતાં બે ગાયો મોતને ભેટી હતી. ત્યારે આજે ફરીવાર સેક્ટર 30 ડિફેન્સ કોલોની ખાતે પણ એજ ઘટનાનું પુનરાવર્તન થતાં વધુ એક ગાયને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે.

એકસાથે ત્રણ ગાયોને વીજ કરંટ લાગ્યો હતો
ગાંધીનગરમાં વરસાદી સિઝનમાં જાહેર તેમજ આંતરિક માર્ગોની સ્ટ્રીટ લાઈટો બંધ રહેતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા પરિણામલક્ષી કામગીરી કરવામાં આવતી નથી. જેનાં કારણે રાત્રીના સમયે વાહન ચોરી સહિત અસામાજિક પ્રવૃતિઓ પણ વધી જવા પામી છે. હમણાં થોડા દિવસ અગાઉ સેકટર - 30 ઇન્કવાયરી પાસે માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વીજ થાંભલા નાંખવાની અણઘડ કામગીરીના કારણે એકસાથે ત્રણ ગાયોને વીજ કરંટ લાગ્યો હતો. જેનાં કારણે બે ગાયોના ઘટનાસ્થળે કરૂણ મોત થયાં હતાં. જ્યારે એક ગાયને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

જાહેર અને આંતરિક માર્ગોનાં વીજ થાંભલા બંધ હોવાની ફરિયાદો ઉઠી
માર્ગ મકાન વિભાગ દ્વારા શહેરમાં વીજ થાંભલા નાંખીને મેઇન્ટેનન્સની પણ કામગીરી સંભાળવામાં આવી રહી છે. તેમ છતાં મોટાભાગનાં જાહેર અને આંતરિક માર્ગોનાં વીજ થાંભલા બંધ રહેતાં હોવાની બૂમરાણ મચી છે. વીજ થાંભલા નાખ્યા પછી યોગ્ય માટીનું પુરાણ તેમજ વીજ કનેકશન યોગ્ય રીતે નહીં કરવાને કારણે ભર ચોમાસામાં વીજ થાંભલા યમદૂત સમાન બની ચૂક્યા છે.

વધુ એક ગાય તરફડિયાં મારીને મોતનાં મુખમાં ધકેલાઈ
આજે સેકટર 30 ડિફેન્સ કોલોની ખાતેના વીજ થાંભલાને કારણે કરંટ લાગતાં વધુ એક ગાય તરફડિયાં મારીને મોતનાં મુખમાં ધકેલાઈ ગઈ હતી. જેનાં પગલે સ્થાનિક વસાહતીઓમાં તંત્રની અણઘડ કામગીરી સામે વ્યાપક રોષ ભભૂકી ઉઠયો છે. આ અંગે શહેર વસાહત મહા સંઘના પ્રમુખ કેસરીસિંહ બીહોલાએ જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા બે ગાયોના આજ રીતે મોત થયા હતા. આજે ફરીવાર એજ ઘટનાનું પુનરાવર્તન થયું છે. શહેરના વીજ થાંભલા મોતને ખુલ્લું આમંત્રણ આપતાં હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ઉપરોક્ત કિસ્સાઓમાં જવાબદાર કર્મચારી અધિકારી સામે કાયદાકીય પગલાં ભરવામાં એવી અમારી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...