ઉત્તરાયણ પર્વના દિવસે પતંગ દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને બચાવવા માટે કરુણા અભિયાન એક કિલો ચાઇનીઝ દોરી નજીકના પશુ દવાખાનામાં જમા કરાવનારને પ્રોત્સાહન રૂપે રૂપિયા 30નું પુરસ્કાર અપાશે. ઉપરાંત પતંગ દોરીથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા માટે જિલ્લામાં કુલ 28 કન્ટ્રોલ રૂમ શરૂ કરાયા છે.
મકરસંક્રાતિ પર્વને માત્ર એક સપ્તાહનો સમય બાકી છે. ત્યારે કરુણા અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર ડો.કુલદીપ આર્યની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં વન વિભાગ, પશુપાલન વિભાગ, પક્ષીપ્રેમીઓ, જીવદયાપ્રેમીઓ તેમજ સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધીઓની ઉપસ્થિતિમાં પતંગની ચાઇનીઝ દોરીથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા માટે ચર્ચા કરવામા આવી હતી. જેમાં તારીખ 14થી 30 જાન્યુઆરી સુધી એક કિલો પતંગની ચાઇનીઝ દોરી જમા કરાવનારને પુરસ્કાર રૂપે રૂપિયા 30 આપવામાં આવશે. ઉપરાંત તારીખ 14મી, ગુરૂવાર અને તારીખ 15મી, શુક્રવાર દરમિયાન યોજાનારા કરુણા અભિયાન અંતર્ગત પતંગ દોરીથી ઘાયલ પક્ષીઓને બચાવવા માટે વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ કુલ 28 કન્ટ્રોલ રૂમ શરૂ કરાશે. ઘાયલ પક્ષી અંગેની જાણ કરીને સહકાર આપવા તેમજ જિલ્લામાં આવી દોરીથી લોકોને ખાસ સાવચેતી રાખીને આ પર્વની ઉજવણી કરવા માટે જિલ્લા કલેક્ટરે લોકોને અપીલ કરી છે.
વન વિભાગના કન્ટ્રોલ રૂમ નંબર
વન વિભાગ દ્વારા ગાંધીનગરના કન્ટ્રોલ રૂમનો નંબર 9484876451, બોરીજનો નંબર 079 23223936, દહેગામનો નંબર 02716 233074, કલોલનો નંબર 02764 222152 અને માણસાનો નંબર 02763 270934 ઉપર વન વિભાગના અધિકારીને જાણ કરીને ઘાયલ પક્ષીને બચાવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.