આલમપુર ગામ પાસે ગત રાત્રિએ હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. ગામની કેટલીક મહિલાઓ ગામમાં અવસાન પામેલા મૃતકના ઘરે ચાલતા ચાલતા બેસવા જતા હતા. તે દરમિયાન અજાણ્યા કાર ચાલકે પહેલા એક બાઇકને ટક્કર માર્યા પછી ચાલતા જઇ રહેલી 4 મહિલાઓને ટક્કર મારી હતી. જેમાં એકનુ મોત થયુ હતુ. જ્યારે વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. આ બનાવને લઇ ચિલોડા પોલીસ મથકમાં ફરાર વાહન ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ ગાંધીનગર તાલુકાના આલમપુર ગામ પાસે મોડી રાત્રે હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. ગામમાં રહેતા રમીલાબેન બાબુભાઇ પટેલ, અલ્કાબેન દશરથભાઇ પટેલ, શોભનાબેન જીતેન્દ્રભાઇ પટેલ અને કોકીલાબને કાંતિભાઇ પટેલ ગામમાં રહેતા પરેશભાઇ પટેલના ઘરે અવસાન થયુ હોવાથી તેમના ઘરે બેસવા માટે જઇ રહ્યા હતા. તમામ મહિલાઓ ચાલતા ચાલતા જઇ રહી હતી, તે દરમિયાન જય અંબે સર્વિસ સ્ટેશન નજીક પહોંચતા એક ફોરવ્હીલના ચાલકે તેનુ વાહન બેદરકારી રીતે હંકાર્યુ હતુ.
જેમા પહેલા આલમપુર ગામનો યુવક સાગર જીતુભાઇ સોલંકી બાઇક લઇ જઇ રહ્યો હતો, તેને ટક્કર મારી હતી. ત્યારબાદ ચાલતા ચાલતા જઇ રહેલી મહિલાઓને ટક્કર મારી હતી. જેમાં તમામ મહિલાહઓને નાની મોટી ઇજાઓ થઇ હતી. જેને લઇ અકસ્માતની જાણ ગામમાં થતા સ્વજનો દોડી આવ્યા હતા અને તમામ ઇજાગ્રસ્ત મહિલાઓ અને બાઇક ચાલક યુવકને અલગ અલગ જગ્યાએ સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જ્યારે મહિલાઓને ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે લઇ જવાઇ હતી.
જેમાં રમીલાબેન બાબુભાઇ પટેલને શરીરે ગંભીર ઇજાઓ થતા ગાંધીનગરથી વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનુ મોત થયુ હતુ. જ્યારે અકસ્માત કરનાર ફોરવ્હીલ ચાલક તેનુ વાહન લઇને ફરાર થઇ ગયો હતો. આ બનાવને લઇ મૃતકના સ્વજને ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.