ગાંધીનગરના એસ.ટી ડેપોની પાછળની ઝાડીમાં ત્રણ મહિના અગાઉ યુવક - યુવતી ને બાનમાં લઈ ત્રણ લૂંટારૃઓએ દાગીના - રોકડ લૂંટ ચલાવી હતી. જો કે એક કિન્નર ની બહાદુરીના કારણે દુષ્કર્મ ઈરાદો લૂંટારૃનો પાર પડ્યો ન હતો. હજી આ ગુનાનો ભેદ ઉકેલાયો નથી એવામાં ગઈ રાત્રે ઘ - 4 વિસ્ટા ગાર્ડનનાં સર્વિસ રોડ પર યુગલને છરીની અણીને બાનમાં લઈ ચાર બુકાનીધારી લૂંટારૃઓ કાર સહિત રૂ. 3.20 લાખની મત્તા લૂંટીને ફરાર થઈ જતાં ગાંધીનગરમાં લો એન્ડ ઓર્ડરનાં લીરેલીરા ઉડયાં છે.
આજથી ત્રણેક મહિના પહેલા ગાંધીનગર નાં એસ.ટી ડેપોની પાછળની ઝાડીઓમાં યુવક યુવતીને ખેંચી જઈ ત્રણ લૂંટારૃઓએ દાગીના - રોકડની લૂંટનાં ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. એ વખતે એક કિન્નરે બહાદુરી પૂર્વક લુટારુઓને પડકાર ફેંકતા યુવતીની ઈજ્જત બચી ગઈ હતી. હજી આ ગંભીર ગુનાના આરોપીઓ પોલીસ પકડથી દૂર છે એવામાં ગઈકાલે રાતે પણ ફરીવાર લૂંટારૃ ટોળકીએ યુવક યુવતીને છરીની અણીએ લુંટી લીધા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
ગાંધીનગરનાં વાવોલ નારાયણનગર ખાતે રહેતો 24 વર્ષીય અરુણ વિધ્યાસાગર શિવચરણ સોની બેંક ઓફ અમેરીકામાં પ્રોસેસ અસોસીએટ તરીકે નોકરી કરે છે. ગઈકાલે રાત્રિના બાર વાગ્યાના અરસામાં અરુણ તેની ફ્રેન્ડ પ્રિયા સાથે કારમાં વિસ્ટા ગાર્ડન નજીક સર્વિસ રોડની સાઈડમાં બેઠો હતો. તે દરમ્યાન રાત્રીના આશરે સાડા બારેક વાગે ચાર અજાણ્યા ઈસમો મોઢા ઉપ૨ રૂમાલ બાંધી તેઓની પાસે આવ્યા હતા. જેનાં કારણે બંને ગભરાઈ ગયા હતા.
બાદમાં ચારેય બુકાનીધારીએ અરૃણને ગાડીમાંથી નીચે ઉતાર્યો હતો. જે પૈકીના એક ઈસમે અરુણનો હાથ પકડી ગાડીની ચાવી માંગી હતી. જેનો વિરોધ કરતા અન્ય એક ઈસમ છરી કાઢીને અરુણને ધમકાવવા લાગ્યો હતો. અને કારની ચાવી અને મોબાઈલ ચૂપચાપ આપી દેવા સૂચના આપતો હતો. જેનાં પગલે અરુણ અને તેની મિત્ર ગભરાઈ ગયા હતા.
ત્યારે ચારેય લુટારુઓનો ઈરાદો પારખી ગયેલા અરુણએ i-20 ગાડી અને મોબાઈલ ફોન આપી દેવાનું જ મુનાસિબ માન્યું હતું. બાદમાં ચારેય લુટારુ કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા. બાદમાં બંને જણા જેમતેમ કરીને ઘરે પહોંચ્યા હતા. અને આજે સેકટર - 7 પોલીસ મથકમાં અરુણએ રૂ. 3 લાખની કાર અને 20 હજારનો મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 3.20 લાખની મત્તા બુકાનીધારી લુટારુઓ લુંટી ગયાની ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.