રાજય વ્યાપી કૌભાંડનો પર્દાફાશ:બેંક મિત્રની ભરતીના બહાને રૂ. 6.78 લાખની છેતરપિંડી, ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં બે ભેજાબાજોની કરતૂત બહાર આવી

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • QR કોડ સ્કેન કરાવી અરજદારો પાસેથી રૂપિયા એઠી લીધા હતા
  • અમરેલી - સુરતના બે ભેજાબાજો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ
  • અમદાવાદની ઓરબીટ કન્સલ્ટન્સીનાં નેજાં હેઠળ સમગ્ર છેતરપિંડી આચરવામાં આવી

ગુજરાતનાં ગામડાઓમાં બેંક મિત્રની ભરતી કરવાની લોભામણી જાહેરાત બહાર પાડી અરજદારો પાસેથી ઓરબીટ કન્સલ્ટન્સીનાં નેજાં હેઠળ અરજી મંગાવી QR કોડ સ્કેન કરાવીને રૂ. 6.78 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસે અમરેલી અને સુરતના બે ભેજાબાજ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દરેક ગામમાં બેંક મિત્ર ભરતીની જાહેરાત આપી હતી
અમદાવાદનાં ચાંદખેડા આઈઓસી રોડ પરના શિવાલીક કોમ્પલેક્ષમાં આવેલી ઓરબીટ કન્સલ્ટન્સી દ્વારા લેટરપેડ ઉપર બેંક મિત્ર તરીકે ઓરબીટ એજન્સીમાં કામ કરવા ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ ORBIT CONSULTANCYમાં અરજી કરવા અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યના દરેક ગામમાં બેંક મિત્ર તરીકે કામ કરે તેવા બેંક મિત્રની જરૂરીયાત છે તેમ જણાવી કામ કરવા ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ ઈમેલ થકી પોતાનો બાયોડેટા મોકલી આપવા જણાવાયું હતું. જે માટે પોરબંદરનાં પ્રકાશ પરમારે પણ બાયોડેટા મોકલી આપ્યો હતો.
QR કોડ મારફતે રૂપિયા સેરવી લેવામાં આવતા હતા
બાદમાં તેના પર એક પીડીએફ આવી હતી.જેમાં આ ORBIT કન્સલ્ટન્સીનાં લેટરપેડ ઉપર બેંક મિત્ર બનવા માટેનુ ફોર્મ તથા નિયમો લખેલા હતા. તથા ફોર્મની પાછળ એક QR કોડ હતો. જે કોડ સ્કેન કરી પ્રકાશે DSA ના કોડ મેળવવા માટેની ફી રૂ.350તથા 12% GSTના રૂ. 42 તથા એક એગ્રીમેન્ટ માટે રૂ.100 સ્ટેમ્પ પેપરના તથા એગ્રીમેન્ટ માટે નોટરી ફીના રૂ. 120 મળી કુલ 612 રૂપિયા ચૂકવી દીધા હતા. જોકે, બાદમાં પોતાની સાથે છેતરપિંડી થયાનું પ્રકાશને માલુમ થતાં સાયબર ક્રાઇમમાં અરજી કરી હતી.
ORBIT કન્સલ્ટન્સીના નેજાં હેઠળ ચીટિંગ કરાયું
આ અંગેની સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીએસઆઇ એસ એ ગઢવી દ્વારા તપાસ કરવામાં આવતાં ORBIT કન્સલ્ટન્સીના QR કોડ એયુ સ્મોલ ફાયનાન્સ બેંકનો હતો. જેનો ખાતા ધારક પિયુષ ઘનશ્યામભાઈ ગોલ (રહે. સૂર્યદર્શન સાયન્સ સિટી, વાવ, સુરત ગ્રામ્ય) નું નામ ખુલ્યું હતું. જેનાં એકાઉન્ટની વિગતો મેળવવામાં આવતાં ખાતામાં અલગ-અલગ 2222 ટ્રાન્ઝેક્શન થકી રૂ. 6.78 લાખ જમા થયાનું પણ બહાર આવ્યું હતું. જેની પુછપરછ કરતા આ બેંક ખાતુ તેણે વિપુલ જયંતીભાઇ બોરસાણીયા (રહે. મતીરાળા, તા-લાઠી, જી-અમરેલી હાલ રહે રાજકોટ) ના કહેવાથી આ ગુનો કરવા માટે નવુ કરંટ એકાઉન્ટ ખોલાવેલ હતું.
​​​​​​​​​​​​​​માણસા-પેથાપુરનાં યુવાનો સાથે પણ છેતરપિંડી થઈ
જે બૅન્કની પાસ બુક તેમજ QR કોડ વગેરે કુરીયર મારફતે વિપુલને મોકલી આપતાં તેણે રૂ. 20 હજાર આપ્યા હતા. તદુપરાંત વિપુલ બોરસાણીયા બેંક મિત્ર તરીકે ઓરબીટ એજસીમાં કામ કરવા ઇચ્છા ધરાવતા ઉમેદવારો પાસેથી નાણા મેળવીને તથા લેપટોપ સહાયના નામે લેપટોપ લેવા ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ પાસેથી નાણા મેળવીને બે અલગ-અલગ મોડેસ ઓપરડીથી ઉક્ત ખાતામાં રૂપિયા જમા કરાવતો હતો. જે પેટે પિયુષને 20 ટકા ભાગ આપતો હતો.

જેની વધુ પૂછતાંછમાં ગાંધીનગરના પેથાપુરમાં રહેતા અજય ગોવિંદભાઇ પટેલ અને માણસાનાં ગજેંદ્રકુમાર કલાલ સાથે પણ ઉક્ત મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી આચરવામાં આવી હોવાની પણ તેણે કબુલાત કરી હતી. આમ ઓરબીટ કન્સલ્ટન્સીનાં નેજાં હેઠળ બેંક મિત્રની ભરતીના નામે છેતરપિંડી આચરનાર પિયુષ ગોલ અને વિપુલ બોરસાણીયા વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...