ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગના દોરાથી ઘાયલ થતાં પક્ષીઓને બચાવવા કરુણા અભિયાન ઉજવવામાં આવે છે. કરુણા અભિયાનમાં પક્ષીઓને બચાવવાના સુચારું આયોજન અર્થે જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પક્ષીઓને બચાવવા કરવામાં આવનાર કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લાના નાયબ વન સંરક્ષક ચંદ્રેશકુમારે જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં ઉત્તરાયણના પર્વમાં ધાયલ થયેલા પશુ- પક્ષીઓને સારવાર આપવા માટે દર વર્ષથી જેમ આ વર્ષે પણ તા. 10 થી 20 જાન્યુઆરી- 2023 દરમ્યાન કરૂણા અભિયાનનું આયોજન કરવામાં આવશે. આ સમય દરમ્યાન કોઇ પક્ષી ઘાયલ થાય તો તે અંગેની જાણ નાગરિકો સરળતાથી કરી શકે તે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે.
આ ઉપરાંત ઘાયલ થયેલા પશુઓનું કલેકશન માટે ઘ-4 નાયબ વનસંરક્ષકની કચેરી, સેકટર-30 વન ચેતના કેન્દ્ર અને ચ- 0 સરકારી નર્સરી ખાતે કરવામાં આવશે. તેમજ પશુઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવી સુવિઘા પણ કરવામાં આવશે. તેની સાથે બાળકો અને નગરજનોમાં આ અંગેની જાગૃત્તિ આવે તે માટે સેકટર- 21 શાકમાર્કેટ અને અન્ય સ્થળો ખાતે નાટક કાર્યક્રમ પણ યોજાશે.
શાળાના બાળકો દ્વારા જનજાગૃત્તિ અર્થે રેલી પણ યોજવામાં આવશે. જ્યારે પશુપાલન અધિકારી એસ.આઇ.પટેલે જણાવ્યું હતું કે, ધાયલ થયેલા પશુ- પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ઉત્તરાયણના તહેવારમાં પણ જિલ્લાના તમામ પશુ દવાખાનાઓ ચાલું રહેશે. ધાયલ થયેલા પશુ- પક્ષીને નજીકના દવાખાનામાં પણ નાગરિકો લઇ આવશે, તો તેની સારવાર કરાવી શકશે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણના તહેવાર બાદ દોરી ગૂંચળાનો જથ્થો જે કોઇ નાગરિકો નજીકના પશુ દવાખાના અથવા વન ખાતાની કચેરીમાં જમા કરાવશે, તેમને 1 કિલોગ્રામ જેટલી દોરી માટે ખાસ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. આ બેઠકમાં જિલ્લાની વિવિધ જીવદયા પ્રેમી સંસ્થાના અગ્રણીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.